પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.): ચાણસ્મા કોર્ટએ ચેક રિટર્ન કેસમાં બ્રાહ્મણવાડા સાર્વજનિક હાઈસ્કૂલના કલાર્ક શૈલેષ રમણલાલ પટેલને એક વર્ષની જેલની સજા ફટકારી છે. શૈલેષ પટેલે ચાણસ્માનાં બ્રિજેશ વ્યાસ પાસેથી બે મહિનામાં પરત કરવાની શરતે રૂ. 5 લાખ ઉધાર લીધા હતા.
સમયસર રકમ ન ચૂકવાતા શૈલેષ પટેલે ચુકવણી માટે ચેક આપ્યો હતો. પરંતુ ફરિયાદી દ્વારા ચેક જમા કરાતા પેમેન્ટ સ્ટોપ્ડ બાય ડ્રોઅરનો ઉલ્લેખથી ચેક પરત આવ્યો. બાદમાં નોટિસ આપ્યા છતાં ચુકવણી ન થતાં કોર્ટમાં નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ કેસ ચાલ્યો.
સાબિતી અને દલીલોને આધારે કોર્ટએ આરોપીને એક વર્ષની જેલની સજા સાથે મૂળ 5 લાખ ઉપરાંત 10% વધારાનું વળતર ચૂકવી કુલ 5.50 લાખ બે મહિનામાં ભરવા આદેશ કર્યો છે. ચુકવણી ન થાય તો વધુ છ મહિનાની સજા ભોગવવી પડશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ