જામનગર, 23 ઓગસ્ટ (હિ.સ.) : છેલ્લા અઠવાડીયાથી જામનગર શહેરમાં ડેન્ગ્યુનો ફુંફાળો હજુ યથાવત રહયો છે, ગંદકી વધી રહી છે, જામનગરમાં મચ્છરનો ત્રાસ દિન પ્રતિદીન વધતો જતો હોવાની વિગતો બહાર આવી રહી છે, ત્યારે જી.જી હોસ્પીટલમાં ૭ અને ખાનગી હોસ્પીટલમાં ૧૦ જેટલા કેસો નોંધાયા છે, તાવના કુલ ૧૧૦ કેસ નોંધાયા છે, ત્યારે આ રોગચાળાને નાથવા માટે કોર્પોરેશને ઝડપી નકકર પગલા ભરવા જોઇએ.
જામનગર શહેરમાં જી.જી. હોસ્પીટલની ઓપીડીમાં છેલ્લા કેટલાય સમયથી ડેન્ગ્યુનો ડંખ રોજ વધતો જાય છે, નવુ પાણી આવ્યું છે, સામાન્ય તાવના કેસો પણ વઘ્યા છે, એવા અરસામાં ડેન્ગ્યુએ અઠવાડીયાથી પગ પેસારો કર્યો છે, સવા મહિનામાં જી.જી. હોસ્પીટલ અને ખાનગી હોસ્પીટલમાં ડેન્ગ્યુ વધી રહયા છે પરંતુ જી.જી.ના મેડીકલ કેમ્પસમાં ૪૦ દિવસમાં લગભગ ૬૮ જેટલા ડેન્ગ્યુ પોઝીટીવના કેસ જોવા મળ્યા છે. લોકોને સારવાર આપતી આ હોસ્પીટલ સૌરાષ્ટ્રની મોટામાં મોટી હોસ્પીટલ છે, પરંતુ અહીંયા જ રોગચાળો વઘ્યો છે.
ગામડાઓમાં પણ તાવ અને ડેન્ગ્યુની અસર વધી ગઇ છે, ગામડાઓમાં પીએચસી કેન્દ્રોમાં જીલ્લામાં ૧૦ ડેન્ગ્યુના કેસો નોંધાયા હોવાની બિનસતાવાર ગિતો મળી રહી છે, જીલ્લાના ગામડાઓમાં તાવના તો ૭૫થી વધુ કેસો નોંધાઇ ચુકયા છે, જી.જી. હોસ્પીટલમાં કમળાના ૪, ખાનગી હોસ્પીટલમાં ૩ અને ગામડાઓમાં પણ કમળાના ૫થી વધુ કેસ નોંધાયા છે. આમ જામનગર સહિત હાલારમાં રોગચાળાએ માથુ ઉચકયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt