પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા યોજાયેલા સરસ મેળામાં મહિલા સશક્તિકરણના અવનવા પ્રત્યક્ષ ઉદાહરણો જોવા મળી રહ્યા છે. આ મેળામાં આંબેડકર મિશન મંગલમ સખીમંડળ સાથે જોડાયેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સઈ દેવરિયા જેવા નાનકડા ગામના મંજુલાબેન વારગીયા પોતાની પ્રતિભા અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કરી રહ્યા છે.
મંજુલાબેન છેલ્લા સાતથી આઠ વર્ષથી સખીમંડળ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. સખીમંડળ દ્વારા મળતી તાલીમ અને માર્ગદર્શનથી તેમના કૌશલ્યમાં વધારો થયો, જેના કારણે તેમની આવકમાં વૃદ્ધિ થઈ છે. આર્થિક રીતે મજબૂત બનતા સાથે તેઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ પણ બમણો થયો છે.
તેઓ મોતીની વસ્તુઓ, બાબુમાંથી શીપ, બોટલ આર્ટ જેવી સર્જનાત્મક અને આકર્ષક હસ્તકળા તૈયાર કરે છે. તેમની બનાવેલી આર્ટ વસ્તુઓ મેળામાં આવનારા લોકોનું ધ્યાન ખેંચી રહી છે. મંજુલાબેનની કલા માત્ર આવકનું સાધન નથી, પરંતુ અન્ય મહિલાઓ માટે પ્રેરણા છે કે કેવી રીતે કૌશલ્ય અને મહેનતથી આત્મનિર્ભરતા મેળવી શકાય છે.
વિશિષ્ટ રીતે, આજે મંજુલાબેન પોતાના પરિશ્રમ અને કમાણીથી પોતાના બાળકને એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવી રહ્યા છે. એક સામાન્ય ગૃહિણીમાંથી સફળ ઉદ્યોગસાહસિક બનવાની તેમની સફર અનેક મહિલાઓ માટે હિંમત આપનાર અને માર્ગદર્શક છે.મંજુલાબેન વારગીયા એ સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન મળે અને મહિલાઓને પોતાનો કૌશલ્ય બતાવવાનો અવસર મળે તો તેઓ પોતાની સાથે સાથે પરિવાર અને સમાજના વિકાસમાં પણ મહત્વનો ફાળો આપી શકે છે.ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી સ્તરે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે રચાયેલા “સખી મંડળો” એ મહિલાઓના સ્વ-સહાય જૂથો છે. આ મંડળો દ્વારા મહિલાઓને વિવિધ વ્યવસાયિક તાલીમ, આર્થિક સહાય અને બજાર સુધી પહોંચની સુવિધા આપવામાં આવે છે. આજદિન સુધી હજારો મહિલાઓ આ મંડળો સાથે જોડાઈને નાના-મોટા વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya