પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર શહેર અને જિલ્લામા ત્રણ દિવસ પૂર્વે પડેલા ભારે વરસાદને કારણે અનેક રસ્તા ધોવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓનુ ધોવાણ થયુ છે.
પોરબંદર શહેરની વાત કરીએ તો મંગળવાર અને બુધવારે પડેલા 14 ઇંચ જેટલા ભારે વરસાદને કારણે શહેરના મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ખાડા પડી ગયા છે જેના કારણે રાહદારોઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી ઉલેચવામા નિષ્ફળ રહેલી મનપા હવે ખાડા પુરવામા સફળ થશે કે કેમ તેને લઈ પણ સવાલો ઉઠી રહ્યા છે. તો પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની પણ આજ હાલત જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે ગામડામા પણ રસ્તા બિસ્માર બન્યા છે, બરડા પંથકના બિસ્માર રસ્તા અંગે પોરબંદર તાલુકા ભાજપના પ્રમુખ રાણાભાઈ મોઢવાડીયાએ પોરબંદર માર્ગ-મકાન વિભાગના અધિકારીને એવી રજુઆત કરી છે. બરડા પંથકમા ભારે વરસાદને કારણે મજીવાણા-શીશલી રોડ પર ગોલાઈ પર મસોમટા ખાડા પડી ગયા છે જેના કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે તેમજ ફટાણા, શીશલીથી મિયાણી તરફ જતા રસ્તાની પણ આ જ હાલત જોવા મળી રહી છે. ત્યારે બિસ્માર રસ્તાઓનુ સમારકામ કરવા માંગ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya