પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.): પાટણના 65 વર્ષીય ટેક્સ કન્સલ્ટન્ટ રૂષિકકુમાર રમેશભાઈ દરજી (રહે. મંગલમૂર્તિ બંગ્લોઝ, વાળીનાથ ચોક) સાથે ઓનલાઈન છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. તેઓ પાટણ શહેરમાં જીએસટી અને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગનું કામ કરતા હતા.
તેઓ 24 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2024 દરમ્યાન E-BOOST 42112 નામના ટેલિગ્રામ ગ્રુપમાં સામેલ થયા. ઠગોએ તેમને પાર્ટ-ટાઈમ જોબ અને વધુ કમાણીની લાલચ આપીને એક વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું. ત્યારબાદ ટાસ્ક પૂરા કરવાના બહાને અલગ-અલગ એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા.
4 નવેમ્બરના રોજ ફરિયાદીને જણાવાયું કે તેમના ઈ-કોમર્સ બુસ્ટ એકાઉન્ટમાં 11.11 લાખનું માઇનસ બેલેન્સ છે, અને જો તે રકમ જમા કરાવાશે તો 31.81 લાખ રૂપિયા કમિશન સહિત પરત મળશે. આ દાવાને લઈને ફરિયાદીને શંકા જતાં તેમણે વધુ રૂપિયા ન મોકલ્યા અને તરત જ પાટણ જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે વનીતા શેઠ, પ્રિયંકા, ઓનલાઇન કન્સન્ટ, વિનોદ અને ઈ-બોસ્ટ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ