પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.): પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટિયાએ ગાંધીનગરના રીજિયોનલ કમિશનરને ચીફ ઓફિસર હિરલબેન ઠાકર વિરુદ્ધ રજૂઆત કરી છે. તેમનો આરોપ છે કે ચીફ ઓફિસર તેમની કૉલ્સ રિસીવ કરતા નથી તેમજ મેસેજ અને મિસ કૉલનો જવાબ આપતા નથી.
ભાટિયા છેલ્લા 14 વર્ષથી સતત ત્રણ ટર્મ માટે નગરસેવક તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે છેલ્લી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે નગરપાલિકાના ઈતિહાસમાં સૌથી વધુ મત મેળવીને વિજય મેળવ્યો હતો.
ભાટિયાએ જણાવ્યું કે તેઓ નગરજનોની સમસ્યાઓ તથા જાહેર હિતના મુદ્દાઓ નિયમિત રીતે રજૂ કરે છે, પરંતુ ચીફ ઓફિસર તરફથી સહકાર મળતો નથી. તે કારણે નગરજનોના પ્રશ્નોના ઉકેલમાં વિલંબ સર્જાય છે. આ વર્તન વારંવારનું અને સતત રહેતું હોવાનું પણ તેમણે જણાવ્યું.
કોર્પોરેટરે રીજિયોનલ કમિશનરને વિનંતી કરી છે કે મામલે તાત્કાલિક તપાસ થાય. જરૂર જણાય તો કૉલ ડિટેઇલ્સ મેળવી કાર્યવાહી કરવામાં આવે અને ચીફ ઓફિસરને જરૂરી સૂચનાઓ આપવામાં આવે જેથી નગરપાલિકાની કામગીરી પારદર્શક તથા કાર્યક્ષમ બને.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ