પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર ખાતે યોજાયેલા સરસમેળામાં વિશ્વા સખી મંડળ સાથે સંકળાયેલ આશાબેન ચૌધરીએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોને કેન્દ્રમાં રાખી વિશિષ્ટ કૌશલ્ય કેળવ્યું છે જે તેમની આર્થિક પ્રગતિની સાથે લોકોના સ્વાસ્થ્યમાં પણ વધારો કરી રહ્યું છે.આશાબેન ચૌધરી કોઈ પણ પ્રકારના કેમિકલના ઉપયોગ વગર, સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ગોળનું ઉત્પાદન કરે છે. માત્ર ગોળ પૂરતું નહીં, પરંતુ ગોળમાંથી 18 સહિતના વિવિધ પ્રાકૃતિક ખાદ્ય પદાર્થો પણ તેઓ તૈયાર કરે છે. જેમાં શુદ્ધ દેશી ગોળ, સ્પે. ડ્રાયફ્રુટ ગોળ, આયુર્વેદિક પૌષ્ટિક ગોળ, સ્પે. ડાયાબિટીસ ગોળ, મેથી ગોળ સહિતની આ પ્રોડક્ટ્સ સ્વાદિષ્ટ હોવા સાથે સ્વાસ્થ્યપ્રદ પણ છે.
સખી મંડળ દ્વારા મળેલા માર્ગદર્શન અને સહાય સાથે પોતાના કૌશલ્યનો ઉપયોગ કરીને આશાબેને “ગણેશ” નામની બ્રાન્ડ ઉભી કરી છે. સરકાર દ્વારા તેમને પોરબંદર સરસ મેળામાં વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ સાથે રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવી, તેના માટે આશાબેને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના પ્રણેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ચલાવી રહેલી પ્રાકૃતિક કૃષિના અભિયાનને સાકાર કરતું આ એક જીવતું ઉદાહરણ કહી શકાય છે. આશાબેનનો આ પ્રયત્ન માત્ર મહિલા શક્તિકરણ જ નહીં, પણ પ્રાકૃતિક ખેતી અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપતો પ્રયાસ છે.પોરબંદર ખાતે યોજાએલ સરસ મેળામાં પ્રાકૃતિક ગોળ અને તેના ઉત્પાદનોનું માતબર માત્રામાં વેચાણ થયુ છે જે જણાવે છે કે પોરબંદર જિલ્લાના લોકોએ પ્રાકૃતિક કુષી અને તેના ઉત્પાદનોને પોતાના દૈનિક જીવનમાં સ્વીકારતા થયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya