પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.): ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવા એક મફત ઇમરજન્સી સેવા છે, આ સેવા (ઇમરજન્સી મેનેજમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) દ્વારા સંચાલિત છે. આ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય ગંભીર બીમારી, ઇજા, અકસ્માત કે પ્રસૂતિ જેવી કટોકટીની સ્થિતિમાં ઝડપી તબીબી સારવાર અને હોસ્પિટલ સુધી પરિવહન પૂરું પાડવું છે. 108 એમ્બ્યુલન્સ સેવા સંપૂર્ણપણે મફત છે, જેનાથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પણ તબીબી સહાય મેળવી શકે છે. ખાસ કરીને ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં આશીર્વાદરૂપ છે. આ સેવા ગુજરાતના લોકોમાં ખૂબ લોકપ્રિય છે અને તેને સંજીવની તરીકે ગણવામાં આવે છે. વર્ષ 2007થી અત્યાર સુધીમાં અનેક સગર્ભા મહિલાઓને પ્રસૂતિ માટે આ સેવા આશીર્વાદરૂપ બની છે, અનેક બાળકોનો જન્મ પણ એમ્બ્યુલન્સમાં થયો છે. ત્યારે પોરબંદર નજીકના બખરલા ગામના વાડી વિસ્તારમાં મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 ની ટીમે તેને એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી હતી.
મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હોવા અંગેની જાણ 108 ની ટીમને થતા તુરંત જ આ ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. બખરલા ગામના વાળી વિસ્તારમાં રહેતા મજુર પરિવારના મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા 108 ના ઈ.એમ.ટી. યક્ષય ચુડાસમા અને પાયલોટ રાણાભાઈ ગરચરે હેડ ઓફિસ પર રહેલા ફીઝીશ્યન ડો. ત્રીવેદીના માર્ગદર્શન હેઠળ અને મળેલ તાલીમની મદદથી સમય સુચકતા ધ્યાનમાં રાખી આ મહિલાની એમ્બ્યુલન્સમા જ પ્રસુતિ કરાવી હતી. અને માતા તથા સંતાન બંનેને વધુ સારવાર માટે પોરબંદર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. 108 ની ટીમની સરાહનીય કામગીરીથી મહિલાના પરિવારજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી, અને તેઓએ સરકારનો આભાર વ્યક્ત કરી આ ટીમની કામગીરીને બિરદાવી હતી. આ તકે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર આકાશ અને જિલ્લાના એક્ઝિક્યુટિવ જયેશગીરી મેઘનાથીએ પણ અભિનંદન પાઠવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya