પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.): હારિજ તાલુકાના અડીયા ગામમાં દુધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ અમાસ અને ભાદરવા સુદ એકમના અવસર પર બે દિવસીય ધાર્મિક મેળાનો પ્રારંભ થયો છે. મંદિરને ફૂલોથી શણગારાયું છે. ઉત્તર ગુજરાતના ચાર મઠ પૈકીના એક અડીયા જાગીરદાર મઠનો 500 વર્ષ જૂનો અખાડો અહીં આવેલો છે. અહીં સ્વયંભૂ દુધેશ્વર મહાદેવ પ્રગટ થયા હોવાનું ઐતિહાસિક ઉલ્લેખ છે.
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અને વાહનો દ્વારા દર્શન કરવા પહોંચ્યા હતા. ભક્તોએ શિવજીને બીલીપત્ર, જળ અને દૂધનો અભિષેક કર્યો હતો તેમજ સુખડીનો પ્રસાદ પણ ધરાવ્યો હતો. મેળામાં બાળકો માટે ચકડોળ અને ઇલેક્ટ્રિક રાઇડ્સ જેવી મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મેળામાં કંદોઈઓ દ્વારા સફેદ લુક્તિ સહિત મીઠાઈના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. અડીયા ગામના યુવા સ્વયંસેવકો મેળાની વ્યવસ્થામાં સેવા આપી રહ્યા છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવાતા મેળો શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ