સુરત, 24 ઓગસ્ટ (હિ.સ.)-મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ પર કુશીનગર એક્સપ્રેસના શૌચાલયમાં કચરાપેટીમાંથી 3 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા હાહાકાર મચી ગયો. મૃતક બાળકનું 21 ઓગસ્ટે સુરતના અમરોલી વિસ્તારથી અપહરણ થયું હતું.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, અપહરણ બાળકના માસીના દીકરાએ જ કર્યું હતું. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે, બાળકની હત્યા ગળા પર ધારદાર હથિયારથી હુમલો કરીને કરવામાં આવી છે. કિડનેપિંગ અને મર્ડર કેસમાં GRP અને RPFએ તપાસ શરૂ કરી છે.
મૃતક પરિવાર મૂળ બિહારના શિવાન જિલ્લાના રહેવાસી છે અને હાલ સુરતમાં વસવાટ કરે છે. ઘટનાએ સુરત અને મુંબઈ વચ્ચે ચકચાર મચાવી છે.
મુસાફરોને કચરાપેટીમાં મૃતદેહ દેખાતા જ ટ્રેનમાં હડકંપ મચી ગયો હતો. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક પોલીસ તેમજ રેલવે સ્ટાફને જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસે કેટલાક મુસાફરોને પૂછપરછ માટે રોક્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે