જામનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેર તથા સમગ્ર હાલાર વિસ્તારમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેરના ગણપતિ મહોત્સવના આયોજકોનો સન્માન સમારોહ યોજાશે.
સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં સર્વે માંગલિક કાર્યોનો પ્રારંભ જેના નામ અને સ્થાપનથી થાય છે તેવા દુંદાળા દેવ ગણપતિના મહાઉત્સવનો મંગલ પ્રારંભ ભાદરવા સુદ ચતુર્થીના થઈ રહ્યો છે અને જામનગરની ધર્મપ્રેમી જનતા દ્વારા ગણપતિ દાદાના આ મહોત્સવની ભારે ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
આ ઉજવણી કરનારા તમામ ગણપતિ મંડળોના સંચાલકો-પંડાલોનું સન્માન કરવાનો કાર્યક્રમ છેલ્લા ૧૪ વર્ષથી કરવામાં આવે છે. આ વર્ષે પણ હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા આ પ્રકારના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવનાર છે.
આ સન્માન સમારોહના કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા જામનગર શહેરના તમામ ગણપતિ મંડળના આયોજકો-પંડાલોના સંચાલકોએ સન્માન સમારોહમાં ભાગ લેવા માટે સંસ્થાનું ફોર્મ તા. ૨૫-૮ થી તા. ૫-૯ સુધીમાં સવારે ૧૦:૩૦ થી ૧:૩૦ સુધી અને સાંજે ૪ થી ૮ દરમ્યાન ટ્રસ્ટના વહીવટી કાર્યાલય ત્રણબત્તી, ઝુલેલાલ મંદિર સામે, જામનગરમાં ભરીને પહોંચતુ કરવા ટ્રસ્ટી જીતેન્દ્ર એચ. લાલ (જીતુભાઈ લાલ) દ્વારા અનુરોધ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt