જૂનાગઢ 24 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાનાં યુવાનો સંરક્ષણ દળોમાં ભરતી થાય તે માટે આર્મી રીક્રુટિંગ ઓફિસ-જામનગર દ્વારા આગામી સમયમાં લશ્કરી ભરતી મેળાનુ આયોજન થનાર છે. જેમાં જૂનાગઢ જિલ્લાનાં યુવાનો શ્રેષ્ઠ દેખાવ કરી શકે અને પસંદગીનાં તમામ તબક્કાઓ ઉત્તીર્ણ કરી રાષ્ટ્ર સેવામાં જોડાય શકે તેવા હેતુસર ૩૦ દિવસના નિવાસી તાલીમ વર્ગનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા કરવામાં આવનાર છે.
આ તાલીમ વર્ગમાં જોડાયેલા યુવાનોને અસરકારક શારીરિક અને માનસિક કસોટીની તૈયારી સાથે રહેવા અને જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા અને નિયત સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે. આ તાલીમ વર્ગમાં ઘોરણ ૧૦ પાસ કે તેથી વધુ હોય, ઉમેદવારની ઉંમર ૧૭.૫ થી ૨3 વર્ષથી વધુ ના હોય, જેઓ શારીરિક અને માનસિક સક્ષમ ઉમેદવાર જ, આ તાલીમ વર્ગમાં અરજી કરી શકશે.
આ અંગેનું નિયત અરજી ફોર્મ જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ ખાતેથી વિનામુલ્યે મેળવીને પોતાની અરજી તથા જરૂરી સાધનિક કાગળો સાથે આગામી તારીખ ૩૦/૦૮/૨૦૨૫ સુઘીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ ખાતે મોકલવાની રહેશે.
અરજી પત્રક તથા ધોરણ ૧૦ ની માર્કશીટની નકલ, શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ અને આધારકાર્ડની નકલ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફસ નંગ-૨, બેંક પાસબુકની નકલ, એન.સી.સી.નું પ્રમાણપત્ર ધરાવતા હોય તો તેની નકલ તથા અન્ય સાધમનિક કાગળો અરજી ફોર્મ સાથે જોડવાના રહેશે. અરજી ફોર્મ આ ખાતાની વેબસાઈટ anubandham.gujarat.gov.in ના નોટીસ બોર્ડ પરથી પણ મેળવી શકાશે.
વધુમાં જણાવવાનું કે, અગ્નિવીરની લેખિત પરિક્ષામાં પાસ થયેલ અને એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારોને અગ્રતા આ૫વામાં આવશે. આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરીના ટેલિફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી (સા.) ની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ