પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.)પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટ, ગાંધીનગર અને ઈસરોના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી કરવામાં આવી. પાટણ, ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લાની 10 શાળાઓમાંથી 500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 600થી વધુ સહભાગીઓએ ભાગ લીધો.
આ પ્રસંગે સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ઈસરોના વૈજ્ઞાનિકો કંદર્પ પંડ્યા અને અર્ચના ભટ્ટે ભારતીય અવકાશ વિજ્ઞાનના ઇતિહાસ અને સિદ્ધિઓ અંગે માહિતગાર કર્યા તથા ઈસરોમાં કરિયર બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું. મુખ્ય મહેમાન તરીકે નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી ડો. મધુબેન દેસાઈ, કેન્દ્રીય વિદ્યાલય પાટણના આચાર્ય મહેન્દ્ર સિંહ અને ભારતીય માનક બ્યુરોના પ્રમોશન અધિકારી સંદીપભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા.
12થી 23 ઑગસ્ટ સુધી વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ, ચિત્ર, એક્સટેમ્પોર અને રીલ-મેકિંગ સ્પર્ધાઓ યોજાઈ હતી. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા. પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન તરફ પ્રેરણા આપે છે તેમજ ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ સાહુ અને સમગ્ર ગુજકોસ્ટ ટીમનો આભાર વ્યક્ત કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ