સુરત, 24 ઓગસ્ટ (હિ.સ.)-સુરત શહેરમાં પોલીસ જાપ્તાની લાપરવાઈ સામે આવી છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપીને, બે કેદી ફરાર થઈ ગયા હતા. જેમાંથી એક આરોપી શુભમ શર્માને પોલીસે ઝડપી લીધો છે, જ્યારે બીજો આરોપી હજુ સુધી પોલીસની પકડથી દૂર છે.
માહિતી મુજબ, ચોક બજાર પોલીસે દુષ્કર્મ અને પોક્સો ગુનામાં ધરપકડ કરેલા શુભમ શર્માને રાજકોટ જેલમાં હવાલે કર્યો હતો. ગયા શુક્રવારે તેને સેશન્સ કોર્ટમાં રજૂ કરવા લાવવામાં આવ્યો હતો. કોર્ટમાં અચાનક બેભાન થતાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો. ત્યાંથી તે પોલીસને ચકમો આપી ભાગી ગયો. જોકે, પોલીસે સિંગણપોર વિસ્તારમાંથી શુભમને ઝડપી ફરી જેલમાં મોકલી દીધો છે.
બીજી તરફ, મૂળ મહારાષ્ટ્રના અને હાલ પલસાણામાં રહેતા ઉત્તમ ધનગઢ સામે, કડોદરા GIDC પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. તેને જેલ હવાલે કર્યા બાદ ઈજા થતાં નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન તેણે પોલીસને ધક્કો મારી હાથકડી સાથે ફરાર થઈ ગયો હતો.
24 કલાકમાં બે ગંભીર ગુનામાં સંડોવાયેલા કેદી હોસ્પિટલમાંથી ફરાર થઈ જતા સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ ખટોદરા પોલીસ ફરાર આરોપીની શોધખોળમાં લાગી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે