ભુજ - કચ્છ, 24 ઓગસ્ટ (હિ.સ.) ભારત પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છના સંવેદનશીલ એવા કોરીક્રીક વિસ્તારમાં શનિવારે બપોરે સીમા સુરક્ષા દળે એક ઓપરેશન હાથ ધરીને પંદર જેટલા પાકિસ્તાનીને માછીમારી બોટની સાથે ઝડપી લઇ મોટી સફળતા મેળવી છે. લાંબા સમય બાદ આટલી મોટી સંખ્યામાં પાકિસ્તાની મચ્છીમારો પકડાયા છે.
નાળા વિસ્તારમાં કોમ્બિંગ વધારી દેવાયું
સીમા દળે આખા વિસ્તારમાં વ્યાપક કોમ્બિંગ માટે બોટો અને જવાનોને એકત્ર કરવા શરૂ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બપોરે12વાગ્યાના અરસામાં કોટેશ્વરની સામેની કોરી ક્રીકના ઉત્તર છેવાડે બીબી કા કૂવા વિસ્તારમાં એક શંકાસ્પદ બોટ જણાઇ હતી. સીમા દળે આ બોટને ઝડપી લેવા ઓપરેશન હાથ ધર્યું હતું. આ પાકિસ્તાની માછીમારી બોટને ઘેરી લઇને તેમાં સવાર પંદર પાકિસ્તાનીને જબ્બે કરાયા હતા. બોટમાંથી માછીમારો માટેની જાળ,બરફ અને માછલીનો જથ્થો મળી આવ્યો હોવાના પ્રાથમિક અહેવાલ સૂત્રોમાંથી મળી રહ્યા છે.
મોડી રાત્રી સુધી પાકિસ્તાનીઓને કોટેશ્વર લવાયા
મોડી રાત્રે આ તમામ પાકિસ્તાનીઓને કોટેશ્વર લવાયા હોવાનું અને તેમની પૂછપરછ હાથ ધરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક નજરે માછીમાર જણાતા આ તમામ પાકિસ્તાનીઓ આટલી મોટી સંખ્યામાં છેક કોરીક્રીક સુધી કઇ રીતે પહોંચ્યા તે સવાલના પણ જવાબ હવે સીમા દળ સહિતની એજન્સીઓ શોધશે.
વિવિધ બટાલિયનનું સંયુક્ત ઓપરેશન સફળ રહ્યું
સુરક્ષા એજન્સીઓ અને બીએસએફના ઉચ્ચ અધિકારીઓને દોડધામમાં મૂકનારી આ ઘૂસણખોરી અંગેની પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે કોરીક્રીકમાં એક પાકિસ્તાની બોટની હલચલ સીમા સુરક્ષા દળના જવાનોને દેખાતાં જ બીએસએફની68અને176તથા જીબ્રાંચના જવાનોએ તેને ઝડપી પાડવા એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ પાકિસ્તાની બોટ લખપતથી પાંચ કિ.મી. દૂર સુધી ઘૂસી આવી હતી. કોરીક્રીકના બીબી કા કૂવા વિસ્તારના છેડા પાસેથી આ ઘૂસેલી બોટને બીએસએફના જવાનોએ આંતરી લીધી હતી અને બોટમાં સવાર પંદર પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડયા હતા.
માછીમારો છેક અંદર સુધી કેમ પહોંચ્યા?
આ બનાવનાં પગલે બીએસએફે વ્યાપકપણે ક્રીક વિસ્તારમાં તલાશી અભિયાન હાથ ધર્યું છે. માછીમારીની સિઝન હાલ બંધ જેવી જ છે. દરિયો પણ તોફાની બન્યો હોવાથી દરિયાઈ પેટ્રોલિંગ પણ સાવચેતી સાથે થઈ રહ્યું છે,ત્યારે આ તોફાની વાતાવરણનો ગેરલાભ લઈને આ પાકિસ્તાની ઘૂસણખોરો છેક કોરીક્રીક - દેવરિયાક્રીક અને લખપત સુધી ઘૂસી આવતાં સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA