પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.): સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે 20-21 ઑગસ્ટે યોજાયેલી 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળાના ખેલાડીઓએ કુલ 26 મેડલ મેળવ્યા, જેમાં 24 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
14 વર્ષના વય જૂથમાં અલ્ફેજ ચોટીયારાએ 200 મીટર, કરણ મકવાણાએ 400 મીટર, રોહિત તરાલે 600 મીટર અને અજય પંચાલે 80 મીટર હર્ડલ્સમાં વિજય મેળવ્યો. જગમાલ ભરથરીએ ગોળા ફેંક તેમજ ચક્ર ફેંકમાં મેડલ જીત્યો. બહેનોની કેટેગરીમાં ભૂમિકા રાજપૂતે 100 મીટર, જાનવી સોલંકીએ 200 મીટર અને 80 મીટર હર્ડલ્સ, કલ્પના ચૌધરીએ 400 મીટર તથા શ્રુતિ ઠાકોરે 600 મીટરમાં પ્રાથમિક સ્થાન મેળવ્યું. 17 વર્ષના વય જૂથમાં વિજય ઠાકોરે 200 મીટર અને 3000 મીટર, ભરત સોલંકીએ 400 મીટર હર્ડલ્સ તેમજ ભાવેશ સોલંકીએ 800 મીટર અને 1500 મીટરમાં સુવર્ણ મેળવ્યા.
વિદ્યાલયના આચાર્ય ડૉ. બળદેવભાઈ દેસાઈ, જિલ્લા રમતગમત વિકાસ અધિકારી ડૉ. કિરણભાઈ પટેલ તથા જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરીએ વિજેતા ખેલાડીઓ અને કોચ પી.ડી. ઝાલા તથા એસ.બી. પ્રજાપતિને અભિનંદન પાઠવ્યા. શાળાને જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ તરીકે સરકારની મંજૂરી પ્રાપ્ત હોવાના કારણે વિદ્યાર્થીઓને રમતગમતમાં ઊજળું ભવિષ્ય સર્જી શકાય તેવી શક્યતાઓ વિસ્તરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ