પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.): રાધનપુરની શ્રી વિનય વિદ્યાલય ખાતે 23 ઓગસ્ટ 2025ના રોજ વિજ્ઞાન ગુર્જરી પ્રેરિત સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ (SIF) યોજાયો હતો. શાળાના આચાર્ય જકશીભાઇ ભરવાડે મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમની માહિતી આપી.
કાર્યક્રમમાં વડનગરના શ્રી વિવેકાનંદ વિદ્યાલયના આચાર્ય તથા પાટણ જિલ્લા વિજ્ઞાન ગુર્જરીના કન્વીનર કલ્પેશભાઇ અખાણીએ “ગમ્મતમય ગણિત” વિષય પર માર્ગદર્શન આપ્યું. તેમણે વિજ્ઞાન ભારતી, વિજ્ઞાન ગુર્જરી, વિદ્યાર્થી વિજ્ઞાન મંથન પરીક્ષા તેમજ વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝના યોગદાન અંગે માહિતગાર કર્યા.
આ કાર્યક્રમમાં ધોરણ 10ના 125 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શિક્ષકો અશોકભાઇ પટેલ, પ્રકાશભાઇ પટેલ અને કે.જી.ગૌસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અશોકભાઇ પટેલે કર્યું અને અંતે વૃક્ષારોપણ યોજાયું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ