પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં આગામી ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખીને ઓતિયા સમાજના ચાર પરિવારો અને પટણી પરિવાર માટીની મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત છે. ઓતિયા પરિવાર પરંપરાગત રીતે તળાવમાંથી માટી લાવી મૂર્તિ બનાવે છે, જ્યારે પટણી પરિવાર કલકત્તાના કુશળ કારીગરો સાથે મળીને કલરકામ અને પેન્ટિંગ કરાવે છે. શહેરમાં છેલ્લા ત્રણ મહિનાથી 4 ઈંચથી 6 ફૂટ ઉંચાઈની મૂર્તિઓનું નિર્માણ ચાલુ છે.
મૂર્તિકાર નવીનભાઈ ઓતિયાના જણાવ્યા મુજબ આજકાલ લોકો પર્યાવરણને પ્રાધાન્ય આપીને POP કરતાં માટીની મૂર્તિઓને વધુ પસંદ કરે છે. એક મૂર્તિ બનાવવામાં સરેરાશ એક અઠવાડિયો લાગે છે, અને અત્યાર સુધીમાં લગભગ 60 ટકા મૂર્તિઓનું એડવાન્સ બુકિંગ પણ થઈ ગયું છે.
વેપારી વિજયભાઈ પટણીએ જણાવ્યું કે, છેલ્લા 15 વર્ષથી તેઓ ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવે છે. પાટણ જિલ્લામાં જરૂરી 80 ટકા મૂર્તિઓ તેમની તરફથી પૂરી પાડવામાં આવે છે. આ મૂર્તિઓની વિશેષતા એ છે કે ઘરે પણ તેનું વિસર્જન થઈ શકે છે. કિંમતો રૂ.100 થી શરૂ થઈને રૂ.21,000 સુધી હોય છે.
કારીગરો વિવિધ આકૃતિ અને અવતારમાં ગણપતિની મૂર્તિઓ બનાવી રહ્યા છે, જેમ કે બાહુબલી અવતાર, સિંહાસન પર બિરાજમાન, શંખ-ડમરુ ધારણ કરેલો અથવા શેષનાગ પર બેઠેલો સ્વરૂપ. મૂર્તિ બનાવવાની પ્રક્રિયા વિશે નવીનભાઈ ઓતિયાએ જણાવ્યું કે ચીકણી માટીને તળાવમાંથી લાવી કેટલાંક દિવસ પલાળવામાં આવે છે, બાદમાં તેને ચાળી શુદ્ધ કરી કળાત્મક રીતે ખૂદી મૂર્તિ તૈયાર કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ