જામનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : ટીવીના પડદા ઉપર ખૂબ જ લોકપ્રિય થયેલ સ્પર્ધાત્મક ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ'માં જામનગરના યુવાનને સુપર સ્ટાર અમિતાભ બચ્ચન સામે હોટ સીટ ઉપર બેવાની તક મળી હતી.
પ્રારંભિક પ્રશ્નોત્તરીમાં પસંદગી પામ્યા પછી હોટ સીટ ઉપર બેસવાની સ્પર્ધામાં પસાર થતા જામનગરની બેંક ઓફ બરોડામાં અધિકારી તરીકે ફરજ બજાવતા યુવાન દિપક પુનાભાઈ જાદવેને મોટી રકમના ઈનામો જીતવાનો અવસર મળ્યો હતો.
અમિતાભ બચ્ચન સાથેના વાર્તાલાપમાં તેમણે જણાવ્યું કે જામનગરથી આવો છો તો ફાફડા-ઢોકળા લાવ્યા છો? ત્યારે દિપકે જણાવ્યું કે મારા પિતા જામનગરમાં ત્રિશાલી પાંઉભાજીના રેસ્ટોરન્ટમાં છેલ્લા ૩૦ કરતા વધુ વર્ષોથી પાંઉભાજી બનાવે છે.
આ યુવાન હોટ સીટ પરથી ક્યા લેવલ સુધી પહોંચી શક્યો અને કેટલા રૂપિયાનું ઈનામ જીત્યો તે તો કેબીસીના તા. રપ મી ઓગસ્ટે પ્રસારિત થનારા એપીસોડમાં જ જાણી શકાશે.
અમિતાભ બચ્ચન આ યુવાનના પિતા પુનાભાઈને ખૂબ જ લાગણીથી મળી ભેટી પડ્યા હતાં અને પુનાભાઈ સાથે આવેલા તમામ પરિવારજનોને પણ મળ્યા હતાં. અમિતાભે ત્રિશાલી પાંઉભાજીનો સ્વાદ માણવાની ઈચ્છા પણ દર્શાવી હતી.
આમ કેબીસીના તા. રપ મી ઓગસ્ટે રજૂ થનારા કેબીસીના એપીસોડમાં જામનગરનું નામ તેમજ ત્રિશાલી પાંઉભાજીનું નામ ગૌરવ સાથે ચમકશે. ત્રિશાલી ગ્રુપના મહેન્દ્રસિંહ ચૌહાણ તથા મિત્રોએ પુનાભાઈ તથા દિપકને અભિનંદન પાઠવ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt