સુરત, 25 ઓગસ્ટ (હિ.સ.): ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન- ગાંધીનગર દ્વારા અડાજણ ખાતે આયોજિત માટી મૂર્તિ પ્રદર્શન સહ વેચાણ મેળામાં પ્રવેશતા જ એક સ્ટોલમાં સુંદર રીતે સજાવેલી ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ નજરે પડે છે. આ મૂર્તિઓ માત્ર કલાનો નમૂનો નથી, પણ હાંસોટ તાલુકાના ઈલાવ ગામના મૂર્તિકાર પ્રિયંકાબેન પ્રજાપતિના આત્મનિર્ભર બનવાના સંઘર્ષ અને સફળતાની કથા છે.
સાત વર્ષ પહેલાં પ્રિયંકાબેનનું જીવન સામાન્ય સ્ત્રીઓ જેવું હતું. ઘરકામ અને પરિવાર પર નિર્ભર રહેતા. પણ ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન–ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી વિનામૂલ્યે તાલીમે તેમના જીવનની દિશા જ બદલી નાખી. અમને માટીના શ્રીજી બનાવવાની તાલીમ અપાઈ. પહેલા આ કલા મર્યાદિત હતી, પણ તાલીમ મળતા સમજાયું કે આ કળા પણ વ્યવસાય બની શકે છે એમ તેઓ કહે છે.
પ્રિયંકાબેનની મૂર્તિઓ ઇકો-ફ્રેન્ડલી છે. એટલે કે, આ મૂર્તિઓ વિસર્જન પછી પર્યાવરણને નુકસાન કરતી નથી. તેઓ કહે છે કે, માટી મૂર્તિ મેળામાં સ્ટોલ નિ:શુલ્ક મળે છે. સાથે મેળાના સાતેય દિવસ દૈનિક રૂ.1,000નું સ્ટાઈપેન્ડ પણ સરકાર આપે છે. આ માત્ર આર્થિક સહાય નથી, પણ આગળ વધવા માટેનો આત્મવિશ્વાસ પણ આપે છે. સરકારના આ પ્રોત્સાહનથી તેઓ દર વર્ષે સરેરાશ રૂ. 60,000ની આવક મેળવે છે. હવે તેઓ માત્ર ગૃહિણી જ નથી, પરંતુ પરિવારને ટેકો આપતા મહિલા ઉદ્યોગસાહસિક છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે