જામનગર જિલ્લા તથા શહેર કક્ષાના નવમાં કલા મહાકુંભનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર
જામનગર, 25 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત જિલ્લા તથા શહેર કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૫ નો શુભારંભ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા જામનગરના મ્યુનિસિપલ ટાઉન હોલ ખાતેથી કરાયો હતો. તા.૨૪ થી ૨૬ ઓગસ્
કલા મહાકુંભ


જામનગર, 25 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત જિલ્લા તથા શહેર કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૫ નો શુભારંભ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા જામનગરના મ્યુનિસિપલ ટાઉન હોલ ખાતેથી કરાયો હતો. તા.૨૪ થી ૨૬ ઓગસ્ટ દરમિયાન યોજાનાર આ કલા મહાકુંભમાં જિલ્લાભરમાંથી ૩૮૪૬ સ્પર્ધકો કુલ ૨૩ વિવિધ કલાકૃતિઓ રજૂ કરશે. આ કલા મહાકુંભનો ઉદ્દેશ્ય યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો અને ગુજરાતની વૈવિધ્યસભર લોકકલાઓને એક મંચ પર લાવવાનો છે.

ઉદ્ઘાટન સમારોહના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું કે, ૨૦૧૬ થી શરૂ થયેલ આ કલા મહાકુંભની યાત્રા આજે પણ એટલા જ ઉત્સાહ સાથે આગળ વધી રહી છે.કોરોના મહામારીના સમયગાળા દરમિયાન પણ આ કાર્યક્રમ અવિરત ચાલુ રહ્યો હતો. તેમણે ઉમેર્યું કે, કલા મહાકુંભ ગુજરાતની વિવિધ લોકકલાઓને વૈશ્વિક સ્તરે લઈ જવાનું માધ્યમ બને છે. આ કાર્યક્રમમાં ભાગ લેતા સ્પર્ધકોને તેમણે સ્પર્ધક તરીકે નહીં, પરંતુ પ્રેરક તરીકે જોવાનો અને કલાની સાધનાને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અનુરોધ કર્યો.

જિલ્લા યુવા વિકાસ અધિકારી પઠાણે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, કલા મહાકુંભ દરેક વ્યક્તિને તેમની સુષુપ્ત શક્તિઓને વિકસાવવામાં મદદ કરે છે. આ કાર્યક્રમનો હેતુ અભ્યાસ ઉપરાંતની કલાઓ જેવી કે વાંસળી, તબલા, લોકગીત, ભજન, અભિનય, વકતૃત્વ સ્પર્ધા, ચિત્રકળા અને નિબંધ લેખન જેવી વિવિધ કલાઓને ઉજાગર કરવાનો છે. તેમણે ઉમેર્યું કે, અહીંના વિજેતાઓ પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. ઉલ્લેખનીય છે કે આ કલા મહાકુંભમાં જામનગર જિલ્લાના કલાકારો લોકવાર્તા, ગરબા, દોહા, છંદ, ચોપાઈ, સ્કૂલ બેન્ડ, કથ્થક, કાવ્ય લેખન, ગઝલ, શાયરી, સર્જનાત્મક કારીગરી, ઓર્ગન, અને શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) જેવી વિવિધ 23 કલાઓમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા, કેળવણી નિરીક્ષક ભેંસદડીયા, ઓસવાળ સ્કૂલના આચાર્ય ઠક્કર, કોલેજના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્યો તેમજ શિક્ષકો અને સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હરીદેવ ગઢવીએ કર્યું હતું અને આભારવિધિ યુવા પ્રાંત અધિકારી હિતેશ વાળાએ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande