એક ગામ–એક મંડળીના નિર્ણય સામે પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈનો વિરોધ
પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.): ગુજરાત સરકારના સહકાર મંત્રીએ જાહેર કરેલા એક ગામ–એક મંડળીના નિર્ણય સામે પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈએ કડક આક્ષેપ કર્યો છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને આ નિર્ણય તાત્કાલિક સ્થગિત કરવાની માંગ કરી
એક ગામ–એક મંડળીના નિર્ણય સામે પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈનો વિરોધ


પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.): ગુજરાત સરકારના સહકાર મંત્રીએ જાહેર કરેલા એક ગામ–એક મંડળીના નિર્ણય સામે પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈએ કડક આક્ષેપ કર્યો છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને આ નિર્ણય તાત્કાલિક સ્થગિત કરવાની માંગ કરી છે. રણછોડભાઈના જણાવ્યા અનુસાર ગામડાઓમાં પહેલેથી જ અનેક સહકારી અને દૂધ મંડળીઓ કાર્યરત છે, અને આવા નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

રણછોડભાઈએ જણાવ્યું હતું કે માત્ર એક મંડળીના આધારે ગામનું સમગ્ર કામકાજ ચલાવવું મુશ્કેલ છે અને એનાથી સહકારી વ્યવસ્થામાં એકાધિકારના દરવાજા ખુલશે. કેટલાક લોકો મંડળીઓ પર જોર જમાવી શકશે અને સહકારી ભાવનાને ઘાટ પહોંચશે. તેમણે આ નિર્ણયથી સમગ્ર સહકારી માળખું ખોરવાઈ શકે છે તેવો ઈશારો કર્યો.

પૂર્વ મંત્રીએ ચેતવણી આપી છે કે જો આ નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો તેનો રાજકીય ફટકો પણ પડી શકે છે. રણછોડભાઈએ જણાવ્યું કે કોંગ્રેસ આ મુદ્દાને ઉઠાવી પછાત અને ઓબીસી સમાજમાં અસંતોષ ફેલાવી શકે છે, જેના પરિણામે આગામી લોકસભા ચૂંટણીમાં સરકારને નુકસાન થઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના વધતા રોષને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય તાત્કાલિક સ્થગિત કરવાનો આગ્રહ કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande