જામનગર, 25 ઓગસ્ટ (હિ.સ.) :
ટીબી મુક્ત ભારત અભિયાન અને નારી વંદન ઉત્સવ અંતર્ગત વિવિધ રોગો અને મહિલાઓના સર્વાંગી વિકાસ વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી જામનગરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – બી.એડ. કૉલેજ, દરેડ ખાતે ટીબી, હિપેટાઈટિસ, એચ.આઈ.વી., એનિમિયા, અને વાહકજન્ય રોગો પર જાગૃતિ સેમિનાર યોજાયો હતો.
દર વર્ષે 24 માર્ચે, વિશ્વ ક્ષય રોગ (ટીબી) દિવસ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય સૌથી ઘાતક ચેપી રોગ ટીબીને નાબૂદ કરવા માટે જાગૃતિ લાવવાનો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટીબી નાબૂદી માટે જનભાગીદારી પર ભાર મૂક્યો છે.
નિ-ક્ષય પોષણ યોજના (NPY) હેઠળ, ટીબીના દર્દીઓને પોષણ માટે અપાતી માસિક નાણાકીય સહાય ₹500 થી વધારીને ₹1,000 કરવામાં આવી છે, જે સમગ્ર સારવાર દરમિયાન દર્દી દીઠ કુલ ₹6,000 સુધીની સહાય પૂરી પાડે છે. આ સહાય મેળવવા માટે દર્દીનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
કાર્યક્રમમાં હિપેટાઈટિસ બી વિશે માહિતી આપતા જણાવાયું કે આ ગંભીર યકૃત રોગ છે, જે હિપેટાઈટિસ બી વાયરસ (HBV) થી ફેલાય છે. આ વાયરસ કોઈપણ ઉંમરના લોકોને સંક્રમિત કરી શકે છે. તેનાથી બચવા માટે સુરક્ષિત અને અસરકારક રસી ઉપલબ્ધ છે, જે નવજાત શિશુઓને જન્મના 24 કલાકની અંદર આપવામાં આવે છે. એનિમિયા: આયર્નની ઉણપથી થતો આ સૌથી સામાન્ય રોગ છે. જેમાં લાલ રક્તકણોની ઉણપને કારણે શરીરના કોષોને પૂરતો ઓક્સિજન મળતો નથી, જેના પરિણામે નબળાઈ અને થાક લાગે છે. એનિમિયાને રોકવા માટે, આયર્ન, વિટામિન સી અને વિટામિન બી12 જેવા પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો, જેમ કે ફળો, શાકભાજી અને પૂરતું પાણી પીવું જરૂરી છે.
આ સેમિનારમાં નારી વંદના ઉત્સવ અંતર્ગત મહિલાઓના સર્વાંગી વિકાસ, સુરક્ષા, સ્વાવલંબન, અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર પણ માર્ગદર્શન અપાયું હતું. મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં સશક્ત બને તે હેતુથી તેમને વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ સેમિનારમાં 60 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમને ટીબી, હિપેટાઈટિસ, એચ.આઈ.વી., એનિમિયા, કુપોષણ અને વાહકજન્ય રોગો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. નુપુર પ્રસાદ અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. પંકજકુમાર સિંઘના માર્ગદર્શન હેઠળ દરેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્ય મેડિકલ ઓફિસર ડૉ. મકવાણા, ડી.પી.એસ. વીકુંદ રાઠોડ, ટીબી સુપરવાઈઝર વિમલભાઈ નકુમ અને ટીબી વિઝિટર ઈરફાન શેખ સહિતના આરોગ્ય કર્મચારીઓએ ભાગ લીધો હતો. બી.એડ. કૉલેજના આચાર્ય ડૉ. પ્રફુલ્લાબા જાડેજા અને શિક્ષક ડૉ. સંજયભાઈ ચોવટિયાએ આ કાર્યક્રમમાં સહકાર આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt