મહેસાણા, 25 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લામાં ફિટ ઈન્ડિયા મિશન અંતર્ગત તા. 29/08/2025 થી તા. 31/08/2025 સુધી ત્રિ-દિવસીય નેશનલ સ્પોર્ટસ-ડે યોજાશે. આ વર્ષની થીમ “રમતગમતની શક્તિ દ્વારા સ્વસ્થ, સમાવિષ્ટ અને સક્રિય ભારત” રહેશે. મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિના અવસરે આ કાર્યક્રમોમાં ખેલાડીઓની ખેલદિલી, ભાઇચારો, સમ્માન અને ઉત્કૃષ્ટતાને ઉજાગર કરવામાં આવશે. જિલ્લાકક્ષા શાળાકીય (SGFI) એથ્લેટિક્સ, કબડ્ડી, હોકી સહિતની વિવિધ સ્પર્ધાઓ ઉપરાંત પરંપરાગત રમતો જેવા કે સાતોલીયું, લંગડી, માટી કુસ્તી, દોરડા કૂદ વગેરેનું આયોજન થશે.
ત્રિદિવસીય આ આયોજન અંતર્ગત 29 ઓગસ્ટે તમામ શાળાઓ-કોલેજોમાં મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ તથા ફિટ ઈન્ડિયા પ્રતિજ્ઞા લેવાશે. 30 ઓગસ્ટે સ્પોર્ટસ અવેરનેસ કાર્યક્રમ, ચિત્ર સ્પર્ધા, ડિબેટ, ફિટનેસ ટોક્સ અને પોલીસ વિભાગની ફ્રેન્ડલી મેચો યોજાશે. 31 ઓગસ્ટે જિલ્લાકક્ષા સાયકલ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, NCC, NSS, સ્કાઉટ ગાઇડ, ખેલાડીઓ અને વિવિધ સંસ્થાઓ ભાગ લેશે. જિલ્લા વહિવટી તંત્ર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સર્વે નાગરિકોને આ ત્રિદિવસીય રમતોત્સવમાં જોડાવા અનુરોધ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR