ગાંધીનગર, 25 ઓગસ્ટ (હિ.સ.): વર્તમાન સમયમાં સર્વત્ર મેઘ મહેર થઈ રહી છે ત્યારે આ મહેર કોઇ પણ નાગરિકો માટે કહેર ન સાબિત થાય, તે માટે કલેકટર મેહુલ કે. દવેના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર સતત કામગીરી કરી રહ્યું છે.
ઉપરવાસમાં વધુ પડતા વરસાદને કારણે ધરોઈ ડેમના દરવાજા ખોલી દેવાતા, ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. આવા સમયે ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર તાલુકા અને માણસા તાલુકાના નદીકાંઠાના 28 ગામના ગ્રામજનો તથા અન્ય નગરજનોને નદી કિનારે કોઈપણ સંજોગોમાં ન જવા કલેક્ટર દ્વારા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.
તેમણે આ અંગે જણાવ્યું છે કે, સમગ્ર રાજ્ય સહિત ગાંધીનગર જિલ્લામાં પણ આ વર્ષે સારી મેઘ મહેર થઈ રહી છે, ત્યારે આવા સમયે કોઈ અનિચ્છનીય ઘટના કે જાનહાનીના બનાવ ન બને તે માટે, આવનાર તહેવારના દિવસોમાં પણ નદી કિનારે જવાનું ટાળતા ગણેશજીની મૂર્તિનું વિસર્જન ઘર આંગણે કરવા અથવા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાને અનુસરવા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત ઘણીવાર ઉત્સુકતામાં નગરજનો વધતા પાણીને જોવા માટે અથવા અન્ય કોઈ કારણોસર કાંઠા વિસ્તારમાં જતા હોય છે, ત્યારે વહીવટી તંત્ર વતી કલેકટર એ આવી જગ્યાએ ન જતાં સુરક્ષિત અને સલામત રહી, તંત્રને સહયોગ કરવા તથા ઉમંગ અને ઉત્સાહપૂર્વક પરિવારની અને સ્વયંની સુરક્ષા નિર્ધારિત કરતા આવનારા ઉત્સવોની ઉજવણી કરવા વિનંતી કરી છે. આ સાથે જ નવયુવાનોને ઉલ્લેખી કલેક્ટર દ્વારા ખાસ જણાવાયું છે કે, જીવન અમૂલ્ય છે, તેની કિંમત સમજતા માત્ર ફોટા કે સેલ્ફીના ચક્કરમાં નદી કાંઠે ન જતા સલામત રહો અને અન્યને પણ આ સંદેશો આપી સલામત રહેવા અપીલ કરો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ