મહેસાણા, 25 ઓગસ્ટ (હિ.સ.): ભારત સરકારના નિર્ભયા ફંડ હેઠળ કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર મહેસાણા જિલ્લામાં મહિલાઓ માટે આશીર્વાદ સમાન બની રહ્યું છે. આ સેન્ટર હેઠળ મહિલાઓને હંગામી આશ્રય, પરામર્શ, કાનૂની, તબીબી અને પોલીસ સહાય જેવી સુવિધાઓ મળી રહે છે. ઘરેલુ હિંસા, પ્રેમ સંબંધ, લગ્નેતર સમસ્યાઓ તેમજ અન્ય જિલ્લાઓમાં ભૂલી પડેલી મહિલાઓને મદદરૂપ થતું આ કેન્દ્ર જિલ્લા કલેક્ટર અધ્યક્ષ અને મહિલા-બાળ અધિકારી એમ.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે.
હાલમાં તા. 06 ઓગસ્ટ 2025ના રોજ મહેસાણા સખી સેન્ટરે દયનીય હાલતમાં મળી આવેલી નર્મદા જિલ્લાના એક વૃદ્ધ મહિલાને આશ્રય આપ્યો હતો. સારવાર અને કાઉન્સેલિંગ બાદ 9 દિવસ સુધી સેન્ટરમાં રાખી સતત પ્રયત્નો બાદ તેમના પરિવારને શોધી કાઢવામાં આવ્યો. તા. 14 ઓગસ્ટે પરિવાર સાથે પુનઃમિલન થતાં કુટુંબીજનો આનંદિત થયા અને સખી સેન્ટરના પ્રયત્નોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે આવા સેન્ટરો મહિલાઓ માટે સાચા અર્થમાં વરદાન છે, જે તેમની સલામતી અને સુરક્ષા માટે સતત કાર્યરત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR