મહેસાણા, 26 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા નજીક હિંમતનગરના દેરોલ ગામે આવેલા તિરુપતિ ઋષીવનમાં ગત મહાશિવરાત્રીના દિવસે આરોગ્ય મંત્રી ઋષીકેષભાઈના હસ્તે પ્લાસ્ટિક વેસ્ટ વેટર મશીનનું ઉદ્ઘાટન થયું હતું. પર્યાવરણપ્રેમી જીતુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ મશીન હાલ કચરામાં ફેંકાતી પ્લાસ્ટિકને ક્રશ કરીને રેતી, સિમેન્ટ અને ચૂના સાથે ભેળવી મજબૂત બ્લોક્સ (ઈંટો) બનાવે છે. આ ઈંટો સામાન્ય ઈંટ કરતા વધુ મજબૂત, પાણીમાં ટકાઉ અને ગરમી સામે રક્ષણ આપનારી હોય છે. હજારો ઈંટોનો ઉપયોગ કરીને ઋષીવનને સંપૂર્ણ પ્લાસ્ટિકમુક્ત ઝોન બનાવવામાં આવ્યો છે, જે ભક્તો અને પ્રવાસીઓ માટે જીવંત ઉદાહરણ છે કે કચરાને કેવી રીતે સંપત્તિમાં ફેરવી શકાય.
આ પ્રયાસથી પર્યાવરણ પ્રદૂષણ અટકાવવાનું તો થાય જ છે, સાથે સાથે સ્થાનિક લોકોને રોજગારની તક પણ મળે છે. બ્લોક્સ સસ્તા પડતા હોવાથી પાર્કના પાથરણાં, બાઉન્ડ્રી દિવાલો અને અન્ય બાંધકામ માટે તેનો ઉપયોગ થાય છે. જીતુભાઈ પટેલે જણાવ્યું કે દરેક નાગરિકે શક્ય તેટલો ઓછો પ્લાસ્ટિક વાપરી તેની યોગ્ય રીતે પુનઃવપરાશ કરવો જોઈએ. મહેસાણા નજીકથી શરૂ થયેલી આ અનોખી પહેલ હવે સમગ્ર ગુજરાત માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR