જામનગર, 26 ઓગસ્ટ (હિ.સ.) : જનતાને મળતી સેવાઓનું નિરીક્ષણ કરવા અને વહીવટી પારદર્શિતાની સમીક્ષા કરવા હેતુ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે ગ્રામ પંચાયત કચેરી, પ્રાથમિક શાળા, અને આંગણવાડીની આકસ્મિક મુલાકાત લીધી હતી અને જન સુવિધાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન કલેક્ટરે ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના પ્રશ્નો તથા રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા.તેમજ નાગરિકોની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે સત્વરે જરૂરી પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
કલેક્ટરે ખંઢેરા પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને શિક્ષણની ગુણવત્તા અંગે શિક્ષકો પાસેથી માહિતી મેળવી હતી. તેમણે આંગણવાડીની કામગીરીની પણ સમીક્ષા કરી, જેમાં બાળકોના પોષણ અને આરોગ્ય સંબંધિત સેવાઓ વિશેની માહિતી મેળવી હતી. સાથે જ બાળકોને મળતા પૂરક આહાર અને અન્ય સુવિધાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી.
વહીવટી કામગીરીની સમીક્ષા કરતાં, કલેક્ટરે ગ્રામ પંચાયતના રેકોર્ડની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી. તેમણે e-KYC, આયુષ્માન કાર્ડ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ, વેરા વસૂલાત, જન્મ-મરણ નોંધણી, અને અન્ય દસ્તાવેજી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ જ્યાં પણ સુધારાની જરૂર જણાઈ ત્યાં તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ગ્રામ્ય પ્રાંત અધિકારી કાલરીયા, સરપંચ અને તલાટી મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt