પોરબંદર, 26 ઓગસ્ટ (હિ.સ.): સમગ્ર દેશમાં રમતગમત તેમજ ફિટનેસ માટે જાગૃતતા આવે તે અનુસંધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ચિંતા વ્યક્ત કરી રાષ્ટ્ર મેદસ્વિતાની સકંજામાં આવી રહ્યો છે તેમાંથી મુક્તિ મેળવવા અને આ સમસ્યાથી નિજાત મેળવવા લોકોએ સ્પોર્ટ્સ, રમતો, ગલી રમતો અથવા સ્વિમિંગ, રનીંગ, જોગિંગ યોગ, જીમ, ઝુંબા, એરોબિક્સ, ડાન્સ, નૃત્ય કે અન્ય કોઈ કોઈપણ ફિટનેસ પ્રોગ્રામ દિનચર્યામાં સામેલ થાય એટલે “ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ” તેવું આયોજન કરવા દેશવાસીઓને આહવાન કર્યુ હતુ.
જે અંતર્ગત નેશનલ સ્પોર્ટ્સ ડે ના ઉપલક્ષે પોરબંદર જિલ્લાના પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના સીધા માર્ગદર્શનમાં ડીવાયએસપી ઋતુબેન રાબાના નેતૃત્વમાં પોરબંદર જિલ્લા મહિલા પોલીસ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સહયોગથી યોગ અને ઝુંબા ડાન્સ સેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના યોગ, ફિટનેસ અને ન્યુટ્રિસનિસ્ટ કેતનભાઈ કોટિયા દ્વારા સારા નિરોગી સ્વાસ્થ્ય માટે વિવિધ યોગ આસનો, ધ્યાન, ઝુંબા ડાન્સ એક્સરસાઇઝ અને પોષક આહારનું માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપવામાં આવ્યુ હતુ. તેમજ આ સાથે જ ફિટ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા માટે દરેકને આહવાન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમ દરમ્યાન “મી ફીટ ઇન્ડિયા ફિટ” સૌથી પહેલા સ્વયં ફિટ થવું અને બીજું “ ઈચ વન ફિટ વન” એટલે દરેક એક વ્યક્તિએ બીજા એક વ્યક્તિને ફિટ રહેવા પ્રેરણા આપવાનો સંકલ્પ લેવાથી ચોક્કસ સમગ્ર દેશ સ્વસ્થ અને બીમારીઓથી મુક્ત થશે એવી લાગણી વ્યક્ત કરાવમાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ડીવાયએસપી ઋતુબેન રાબા, પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર બોરીસાગર, કોન્સ્ટેબલ સુભાષભાઈ બોખીરીયા સહીતના લોકોનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya