પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.): પાટણ શહેરમાં 27 ઓગસ્ટથી ઐતિહાસિક ગણેશ મહોત્સવની શરૂઆત થવાની છે. દેશમાં સૌ પ્રથમ વખત સાર્વજનિક ગણેશ મહોત્સવની શરૂઆત પાટણમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા કરવામાં આવી હતી. આ વર્ષે શ્રી ગજાનંદ મંડળી દ્વારા 148મો ગણેશ મહોત્સવ ગણેશ વાડીમાં આયોજિત થશે. બુધવારે ભવ્ય પાલખી યાત્રા નાસિક ઢોલની સાથે કાઢવામાં આવશે અને મંત્રોચ્ચાર સાથે ભગવાન ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.
આ વર્ષે પાટણ શહેરની અંદાજે 200 જેટલી સોસાયટીઓમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પાલિકા બજારમાં રાજમહેલ કા રાજા ગણેશ મહોત્સવનું વિશેષ આયોજન છે. અહીં SOPANVILLA અને અંબાજી નગર સોસાયટી પાસેથી 6 ફૂટ ઊંચી મૂર્તિની ભવ્ય શોભાયાત્રા નીકળશે. દરરોજ સવારે 9:15 અને સાંજે 8:30 કલાકે આરતી થશે અને 31 ઓગસ્ટે સવારે 8:30 વાગ્યે વિસર્જન યાત્રાનું આયોજન છે.
શહેરના ચિંતામણી ગણપતિ મંદિર, સિદ્ધિ વિનાયક મંદિર અને અન્ય મંદિરોમાં પણ વિશેષ પૂજા-અર્ચના અને આયોજન થશે. ગણેશ ચતુર્થીના દિવસે શહેરમાં ભવ્ય લોકમેળો યોજાશે. ઉપરાંત અનેક મહોલ્લાઓ અને સોસાયટીઓમાં સ્થાનિકો પોતાના ઘરોમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરી ભક્તિભાવપૂર્વક મહોત્સવ ઉજવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ