ગીર સોમનાથ, 26 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે. આ સ્થાપના બાદ વિસર્જન સુધીના સમયગાળા દરમિયાન ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે અને ગણેશજીની મૂર્તિઓને નદી, તળાવ, દરિયામાં પધરાવી વિસર્જન કરવામાં આવે છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ગાઈડલાઈન અનુસાર જિલ્લા કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામા અનુસાર ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની ૦૯ ફૂટ કરતાં વધારે ઊંચાઈની સ્થાપના કરવી નહીં અને પરવાનગી વગર જાહેર માર્ગો ઉપર પરિવહન ન કરવું.
શ્રી ગણેશ મહોત્સવને અનુલક્ષીને મૂર્તિકારો દ્વારા અગાઉથી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. આ દરમિયાન મૂર્તિ બનાવવાના સ્થળે ગંદકી તેમજ રોગચાળો ફેલાય અને ધર્મની ધાર્મિક લાગણી દુબઈ તેવા ચિન્હો કે નિશાનીઓ રાખવી નહીં. મૂર્તિઓની બનાવટમાં કેમિકલ યુક્ત રંગનો તેમજ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થતો હોય આવી મૂર્તિઓને જાહેર નદી,નાળા કે તળાવના પાણીમાં વિસર્જન કરવું નહીં.
તહેવારની ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિની જાળવણીમાં બાધા ઉત્પન્ન થાય તેવા કાર્યો કરવા નહીં તેમજ મૂર્તિઓ બનાવવામાં પીઓપીનો ઉપયોગ તેમજ કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ પાણીજન્ય જીવો પશુઓ તેમજ માનવ જીવનને નુકસાન પહોંચાડે છે તેથી તેવું કરવું નહીં.
સ્થાનિક સત્તા મંડળ દ્વારા બનાવાયેલા નજીકમાં કૃત્રિમ વિસર્જનકુંડમાં જ વિસર્જન કરવું અને ગણેશ વિસર્જન માટે પૂર્વ મંજૂરી લઈ પરંપરાગત તેમજ મંજૂરીમાં દર્શાવેલા રૂટ પર જ જવાનું રહેશે.
આ જાહેરનામું ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી લાગુ પડશે. જેનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે
પાણી તથા પર્યાવરણીય પ્રદૂષણને અટકાવવા સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ