મોડાસા, 26 ઓગસ્ટ (હિ.સ.)
સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરસવ ખાતે સ્ટાફ નર્સ સહિત ૩ સ્ટાફ રાત્રિ દરમિયાન ફરજ પર હાજર હતા. સવારે લગભગ ૦૫:૩૦ વાગ્યે સરસવ વિસ્તાર તથા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીનું પાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનની ચારે બાજુ તથા અંદર ઘૂસી જતા ત્રણ સ્ટાફ ફસાઈ ગયા હતા. જિલ્લા વહીવટી તંત્રની સતર્કતા તેમજ ગામલોકોની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.તે દરમિયાન સરસવ ગામની એક સગર્ભાને પ્રસવ પીડા શરૂ થતા ટેલીફોનિક જાણ થઈ હતી. પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાઈ જવાને કારણે તથા સરસવ ગામના સંપર્ક રસ્તાઓ સાથે તૂટી જવાને કારણે તાત્કાલિક વ્યવસ્થા કરવી મુશ્કેલ બની હતી. આવી પરિસ્થિતિમાં પ્રાંત અધિકારી ખેડબ્રહ્મા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ સરસવ ખાતે હાજર સ્ટાફ નર્સ જાગૃતિબેન પટેલ દ્વારા સબસેન્ટર સરસવ ખાતે સગર્ભાને તાત્કાલિક દાખલ કરી સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી હતી. હાલમાં માતા તથા બાળક બંને સ્વસ્થ છે અને સારવાર હેઠળ છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ