જૂનાગઢ 26 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે-૨૦૨૫માં મેજર ધ્યાનચંદની યાદમાં તા.૨૯મી ઓગસ્ટ ‘National Sports Day' તરીકે ઉજવવામાં આવનાર છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.
જૂનાગઢ જિલ્લામાં તા. ૨૯મી ઓગસ્ટ-૨૦૨૫ ના રોજ હોકી જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિતે “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની ઉજવણી એક અનોખી રીતે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજ રોજ જૂનાગઢ જિલ્લાની દરેક શાળાઓમાં હોકી પેનલ્ટી શૂટ આઉટ, ૧ મિનીટ સ્કીપીંગ રોપ ચેલેન્જ, ૧૨ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ ખેલાડી તા.૨૮/૦૮/૨૦૨૫ના રોજ ઝોન/તાલુકાકક્ષાએ ભાગ લેવા માટે જશે.
તેમજ ઝોન/તાલુકાકક્ષાએ પ્રથમ વિજેતા થનાર ખેલાડી તા.૨૯/૦૮/૨૦૨૫ના રોજ જિલ્લા/મનપા કક્ષાની સ્પર્ધામાં શ્રી BAPS સ્વામીનારાયણ વિદ્યા મંદિર, અક્ષરવાડી, ખાતે ભાગ લેશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવશે, એમ જિલ્લા રમત ગમત અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ