ગીર સોમનાથ 26 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ પ્રાકૃતિક કૃષીનો વિસ્તાર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ દ્વારા બે દિવસ ખેડૂત વૈજ્ઞાનીક વાર્તાલાપનું ખેડૂત તાલીમ કેન્દ્ર જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જૂનાગઢ જિલ્લાના કુલ ૪૭ ખેડૂતોને મુખ્યત્વે પ્રાકૃતિક કૃષિ વિષય પર ખેડૂત વૈજ્ઞાનિક વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. જેમાં સંયુક્ત ખેતી નિયામક જૂનાગઢ જી.એસ.દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી જે.જે.ભટ્ટ, પ્રોજેક્ટ ડાયરેક્ટર ડિ.જી.રાઠોડ, મદદનીશ વિસ્તરણ શિક્ષણ નિયામક એસ.જે.છોડવડીયા, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર સંદીપ પરમાર તથા કૃષિ વૈજ્ઞાનિકઓ દ્વારા ખેડૂતના પ્રાકૃતિક ખેતી કરવામાં આવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે યોગ્ય પાક પરિસ્થિતિ મુજબ ખેડુતો ને પ્રાકૃતિક કૃષિના વિવિધ પાસાઓ સમજાવવામાં આવ્યા હતા અને પ્રાકૃતિક કૃષિ અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે યોગ્ય માહિતી મળી રહે તે માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ