મહેસાણા, 26 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના અભરામપુરા ગામનો યુવા ખેલાડી, બાવીસી સમાજનું ગૌરવ પટેલ કલ્પ કનુભાઈએ તાજેતરમાં ખેલકૂદ ક્ષેત્રે ઉજ્જવળ પ્રદર્શન કરીને ગામ-તાલુકો તેમજ સમગ્ર સમાજનું નામ રોશન કર્યું છે.
ગાંધીનગર ખાતે યોજાયેલી ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત તા. 17-08-2025ના રોજ તાલુકા સ્તરે અંડર-17 કેટેગરીમાં 400 મીટર રનિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરીને કલ્પ પટેલે પોતાની પ્રતિભા સાબિત કરી. ત્યારબાદ તા. 20-08-2025ના રોજ જિલ્લા સ્તરે યોજાયેલી રનિંગ સ્પર્ધામાં તેમણે તૃતીય ક્રમ મેળવી ગૌરવ વધાર્યું. માત્ર એટલું જ નહીં, પણ ખો-ખો જેવી ટીમ સ્પર્ધામાં પણ કલ્પે તાલુકા તેમજ જિલ્લા સ્તરે પ્રથમ સ્થાન હાંસલ કરીને પોતાની બહુમુખી રમતિયાળ ક્ષમતાનું પ્રદર્શન કર્યું.
કલ્પ પટેલ, પિતા પટેલ કનુભાઈ નરોત્તમદાસ અને માતા પટેલ કામિનીબેન કનુભાઈના દીકરા છે. તેઓ રણેલીયા શાખા સાથે સંકળાયેલા છે.
અભરામપુરા ગામ તથા બાવીસી સમાજ તરફથી કલ્પ પટેલને આ સિદ્ધિઓ બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે તથા ભાવિમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગામ-સમાજનું ગૌરવ વધારવા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR