પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.): પાટણ શહેરમાં આજે સૌભાગ્યવતી મહિલાઓએ કેવડાત્રીજના પાવન વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી. બગેશ્વર મહાદેવ મંદિર, છત્રપતેશ્વર મહાદેવ મંદિર અને જગદીશ મંદિર ખાતે વિધિવત કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓએ ભાગ લીધો હતો. મહિલાઓએ માટીમાંથી બનાવેલા પાર્થેશ્વર શિવલિંગની વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરી. બગેશ્વર મહાદેવ પરિસરમાં વિદ્વાન બ્રાહ્મણોએ સામૂહિક પૂજાવિધિ કરાવી. શિવ, પાર્વતી, નંદી, ગણેશ અને કાચબાની પણ વિશિષ્ટ પૂજા કરવામાં આવી. પતિના દીર્ઘાયુષ્ય માટે શિવાલયોમાં કેવડો ચઢાવાયો.
મંદિર પરિસરમાં વ્રતધારી મહિલાઓએ પોતે જ પાળેશ્વર મહાદેવ, નદી અને કાચબોની માટીની પ્રતિમાઓ બનાવી અને તેને આરાધ્યા. સમૂહમાં થયેલી પૂજાવિધિ સાથે કેવડાત્રીજ વ્રત ભક્તિભાવથી પૂર્ણ કરવામાં આવ્યું. સમગ્ર પાટણમાં આ વ્રતને લઈ ધાર્મિક અને શાંતિમય માહોલ સર્જાયો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ