મહેસાણા, 26 ઓગસ્ટ (હિ.સ.)દર વર્ષે ભાદરવી પૂનમના પાવન પ્રસંગે અંબાજી ખાતે ભવ્ય મેળો ભરાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ ઉપસ્થિત રહે છે. હજારો ભક્તો તો શ્રદ્ધાપૂર્વક પગપાળા યાત્રા કરતા અંબાજી માતાના દર્શન સુધી પહોંચે છે. આ વર્ષે યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. વિસનગરના કડા હાઇવે સહિત ગાંધીનગરથી અંબાજી સુધીના માર્ગ પર દર્શન હોટલ, વાસણીયા મહાદેવ, ગોઝારિયા, સતલાસણા, જલોત્રા, દાંતા, વિજયનગર અને ખેડબ્રહ્મા જેવા સ્થળોએ સેવા કેમ્પો શરૂ કરાયા છે.
આ સેવા કેમ્પોમાં પુરુષો-મહિલાઓ માટે અલગ-અલગ શૌચાલય, ગરમ પાણીથી સ્નાન, પીવાનું શુદ્ધ પાણી, આરામ માટેની જગ્યા, તાત્કાલિક આરોગ્ય સહાય અને પ્રકાશ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. અગાઉ ભક્તોને આરામ, સ્વચ્છતા અને ખાવા-પીવાની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ આ વર્ષે ઉભી કરાયેલી આધુનિક વ્યવસ્થાઓ યાત્રાળુઓ માટે યાત્રાને વધુ આરામદાયક, સુરક્ષિત અને આનંદમય બનાવશે
.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR