પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.)પાટણ તાલુકાના ગુલવાસણા ગામમાં રબારી સમાજના બે પરિવારો વચ્ચે જૂના વિવાદને પગલે તંગદિલી સર્જાઈ છે. બંને પક્ષોએ સરસ્વતી પોલીસ મથકે એકબીજા વિરુદ્ધ ફરિયાદો નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદોનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રથમ ફરિયાદ આશાબેન પ્રવિણભાઈ રબારીએ નોંધાવી છે. તેમની જણાવ્યા મુજબ, તેઓ ગામમાં બાળકોને ભોજન આપવા જતા હતા ત્યારે પ્રભાતભાઈ અરજણભાઈ રબારી અને તેમના પરિવારજનોએ તેમને અટકાવ્યા હતા. આરોપીઓએ જૂના ઝઘડાના રૂ. ૧૧ લાખની માંગણી કરી હતી અને પૈસા ન આપો તો ઘર આગળ આવવા નહીં દેવાની તેમજ ખોટા કેસમાં ફસાવી સરપંચ પદેથી સસ્પેન્ડ કરાવવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બીજી તરફ, કિરણભાઈ પ્રભાતભાઈ રબારીએ પ્રવિણભાઈ અમરતભાઈ રબારી સહિત પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપીઓ તેમના ઘરે આવ્યા હતા અને અગાઉ દાખલ કરેલા કેસ પાછો ખેંચવા દબાણ કર્યું હતું. પ્રવિણભાઈ લાકડી લઈને આવ્યા હતા જ્યારે અન્ય આરોપીઓએ હોબાળો મચાવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરાયો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ