ગાંધીનગર, 26 ઓગસ્ટ (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ જિલ્લાના હાંસલપુર ખાતે મારુતિ-સુઝુકીના પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ અને લિથિયમ આયન બેટરીના ઉત્પાદનના શુભારંભ પ્રસંગે ભારત અને જાપાનની મિત્રતાને ‘મેઇડ ફોર ઈચ અધર’ ગણાવતાં કહ્યું કે હવેથી દુનિયાના એકસોથી વધુ દેશોમાં ફરતાં ઈલેક્ટ્રિક વ્હીકલ પર ‘મેઇડ ઇન ઇન્ડિયા’ લખ્યું હશે, તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે.
રાજ્યના માહિતી વિભાગ એ માહિતી આપીને જણાવ્યું હતું કે વડાપ્રધાનએ ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપીને ‘સ્વદેશી’ની વ્યાખ્યા કરતાં કહ્યું કે રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય, પરંતુ તેમાં પરસેવો કોઈ પણ ભારતીય નાગરિકનો હોય અને તે વધુ વસ્તુ ભારતની ભૂમિ પર બનીને તૈયાર થઈ હોય, તે આપણા માટે સ્વદેશી જ છે.
વડાપ્રધાનએ સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે ‘મેઇક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતાં અને ગ્રીન મોબિલિટી માટે વૈશ્વિક હબ તરીકે ભારતના ઉદભવને રેખાંકિત કરતાં, બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV) ‘e VITARA’ને લીલી ઝંડી આપી હતી. TDSG લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સના સ્થાનિક ઉત્પાદન પ્લાન્ટનું પણ ઉદઘાટન કર્યું હતું. આ પ્લાન્ટ સ્વચ્છ ઊર્જાને વેગ આપશે અને કુલ ઉત્પાદનના એંશી ટકા બેટરીનું ઉત્પાદન ભારતમાં થશે તે સુનિશ્ચિત કરશે.
આ પ્રસંગે વડાપ્રધાનએ કહ્યું કે ગણેશ ઉત્સવના આ ઉલ્લાસમાં આજે ભારતની મેક ઇન ઇન્ડિયાની યાત્રામાં નવો અધ્યાય ઉમેરાઈ રહ્યો છે. ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના આપણા લક્ષ્યની દિશામાં આ એક મોટી છલાંગ છે. તેમણે ઉમેર્યું કે આજથી ભારતમાં બનેલાં ઈલેક્ટ્રિક વાહનોની 100 જેટલા દેશોમાં નિકાસ થશે અને આજથી શરૂ થતાં હાઇબ્રિડ બેટરી ઈલેક્ટ્રોડના ઉત્પાદનને પણ ભારત અને જાપાની મિત્રતાને નવો આયામ આપનારું બનશે.
વડાપ્રધાનએ કહ્યું કે આજથી આશરે તેર વર્ષ પહેલાં ગુજરાતમાં સુઝુકીના હાંસલપુર પ્લાન્ટનો પાયો નંખાયો હતો, એ દૃષ્ટિએ મારુતિ-સુઝુકીના આ પ્લાન્ટની ઉંમરનું આ તેરમું વર્ષ છે, તે એક દૃષ્ટિએ ટીનએજનો પણ પ્રારંભ છે. આ ઉંમર પાંખો ફેલાવવાનો અને સપનાઓના ઊડાનની શરૂઆતનો કાલખંડ હોય છે. ત્યારે આગામી સમયમાં મારુતિનો આ પ્લાન્ટ નવા ઉમંગ અને ઉત્સાહથી પાંખો ફેલાવશે અને આગળ વધશે તેવો વિશ્વાસ વડાપ્રધાનશ્રીએ વ્યક્ત કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે 2012માં તેમના મુખ્યમંત્રીકાળમાં આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના વિઝન સાથે મારુતિ સુઝુકીને જમીન આપીને વિકાસના બીજ રોપ્યાં હતાં. આ વિઝન અને વિશ્વાસને મારુતિ-સુઝુકી કંપની આગળ ધપાવી રહી છે.
વડાપ્રધાનએ ભારત-જાપાન મિત્રતામાં સુઝુકી કંપનીના સ્વ. ઓસામો સુઝુકીશાનના યોગદાનનું પણ સ્મરણ કરીને તેમના જ વિઝનનું આ પરિણામ છે તેમ જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ ભારતીય નાગરિકોમાં પડેલી અપ્રતિમ શક્તિઓ અને આવડતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારત પાસે ડેમોક્રેસી અને ડેમોગ્રાફી-એમ બંને પ્રકારનો એડવાન્ટેજ છે. આ સ્કિલ વર્કફોર્સનો લાભ ભારતમાં ઉત્પાદન માટે આવનારી દરેક કંપનીને મળી રહ્યો છે. આ દૃષ્ટિએ અહીં રોકાણ-ઉત્પાદન માટે આવનારા દરેક પાર્ટનર-દેશ માટે ‘વિન-વિન સિચ્યુએશન’ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું કે મારુતિ-સુઝુકી ભારતમાં બનેલી ગાડીઓને જાપાન સહિત અન્ય દેશોમાં એક્સ્પોર્ટ કરે છે. તે જાપાન અને ભારતનો એકબીજા પ્રત્યેનો ભરોસો દર્શાવે છે. મારુતિ-સુઝુકી આજે મેક ઇન ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર બની ચૂકી છે. આજથી ઈવી એક્સ્પોર્ટને પણ એ જ સ્તરે લઈ જવાનો પ્રારંભ થઈ રહ્યો છે.
આજે મારુતિ-સુઝુકી જેવી કંપનીઓ ભારતની મોટી કાર એક્સપોર્ટર છે. એટલું જ નહીં, આજથી દુનિયાના દેશોમાં ચાલતી મારુતિ-સુઝુકી કંપનીની ઈવીમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ લખેલું હશે. તે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે.
વડાપ્રધાનએ કહ્યું કે કોઈ પણ ઈવીમાં તેની બેટરી અત્યંત મહત્ત્વની હોય છે. થોડાં વર્ષો પહેલાં ભારતમાં પણ બેટરીની આયાત કરવામાં આવતી હતી. પણ, ઈવી મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે ભારતમાં બેટરી બને તે અત્યંત જરૂરી હતી. એટલા માટે 2017માં જાપાનની તોશિબા, ડેન્ઝો અને સુઝુકી કંપનીઓ દ્વારા ગુજરાતમાં ટીડીએસજી બેટરી પ્લાન્ટનો પાયો નખાયો. જેમાં ત્રણ કંપનીઓ સાથે મળીને બેટરી બનાવે છે અને ઈલેક્ટ્રોડ પણ ભારતમાં જ બને છે તેથી ભારતની આત્મનિર્ભરતાને નવું બળ મળે છે.
વડાપ્રધાનએ તેમની સિંગાપોરયાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમણે જૂની ગાડીઓ અને એમ્બ્યુલન્સને હાઇબ્રિડ ઈવીમાં બદલવાની વાત કરી હતી. મારુતિ-સુઝુકીએ આ પડકારને સ્વીકારીને માત્ર છ જ મહિનામાં હાઇબ્રિડ એમ્બ્યુલન્સનું વર્કિંગ પ્રોટોટાઇપ તૈયાર કરી બતાવ્યું છે. આ એમ્બ્યુલન્સ પીએમ-ઈડ્રાઇવ સ્કીમમાં એકદમ ફિટ છે. આશરે 11 હજાર કરોડ રૂપિયાની આ યોજનામાં ઈ-એમ્બ્યુલન્સ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે.
વડાપ્રધાન એ કહ્યું કે ક્લિન એનર્જી અને ક્લિન મોબિલિટી આપણું ભવિષ્ય છે. હાઈબ્રિડ ઈવીથી પ્રદૂષણ ઘટશે અને આવા પ્રયાસોથી જ ભારત ખૂબ ઝડપથી વિશ્વાસપ્રદ ડેસ્ટિનેશન બનશે. તેમણે ઉમેર્યું કે ભારતે છેલ્લા દસકામાં જે નીતિઓ બનાવી, તે દેશના ઉદ્યોગોના વિકાસમાં ખૂબ કારગત નીવડી રહી છે. વર્ષ-2014માં જ્યારે તેમને વડાપ્રધાન તરીકે દેશસેવાનો અવસર મળ્યો, ત્યારથી ‘મેક ઇન ઇન્ડિયા’નો કન્સેપ્ટ શરૂ કરી, લોકલ અને ગ્લોબલ ઉત્પાદકોને અનુકૂળ વાતાવરણ ઊભું કર્યું. આ માટે તમામ ક્ષેત્રે અનુકૂળતો બનાવાઈ રહી છે. જેમાં ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર, લોજિસ્ટિક પાર્ક સહિત અનેક ક્ષેત્રે ઉત્પાદકોને પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવનો પણ લાભ અપાઈ રહ્યો છે. આ માટે અનેક રિફોર્મ્સ કરીને જૂની અડચણો દૂર કરવામાં આવી છે.
આ નીતિઓના લાભ વિશે જણાવતાં વડાપ્રધાનશ્રીએ કહ્યું કે સરકારની આ હકારાત્મક નીતિઓના કારણે ઈલેક્ટ્રોનિક્સનું પ્રોડક્શન આશરે 500 ટકા વધ્યું છે, જ્યારે મોબાઇલ ફોનનું ઉત્પાદન 2014ની સરખામણીએ 2700 ટકા સુધી વધ્યું છે. આ જ પ્રકારે, ડિફેન્સ પ્રોડક્શનમાં પણ 200 ટકાથી વધુની વૃદ્ધિ થઈ છે.
કેન્દ્ર સરકારની આવી જ નીતિઓ દરેક રાજ્યને મોટિવેટ કરે છે અને તંદુરસ્ત હરિફાઈ શરૂ થઈ છે. જેનો લાભ આખા દેશને મળી રહ્યો છે. તમામ રાજ્યોને પ્રો-એક્ટિવ, પ્રો-ડેવલપમેન્ટ પોલિસી, સિંગલ વિન્ડો ક્લિયરન્સ તથા કાયદાઓ અનુકૂળ બનાવવા સલાહ આપી હતી. આવી નીતિઓ હોય, તેવા રાજ્યો પ્રત્યે રોકાણકારોનો વિશ્વાસ વધે છે. આજે આખું વિશ્વ ભારત તરફ જુએ છે, ત્યારે દરેક રાજ્યએ રિફોર્મ, ગુડ ગવર્નન્સ, પ્રો-ડેવલપમેન્ટ માટે સ્પર્ધા કરી, વિકસિત ભારત @2047ના નિર્માણ માટે આગળ આવવા આહ્વાન કર્યું હતું.
રેર અર્થ એલિમેન્ટ્સની જરૂરિયાત વિશે વાત કરતાં વડાપ્રધાનએ કહ્યું કે આ ક્ષેત્રના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન પણ શરૂ કરાયું છે. જે અંતર્ગત, દેશમાં અલગ અલગ સ્થળોએ 1200 જેટલા શોધ અભિયાન ચલાવવામાં આવશે અને આવાં તત્ત્વોને શોધવામાં આવશે.
વડાપ્રધાન એ તેમના આગામી જાપાન પ્રવાસ વિશે વાત કરતાં જણાવ્યું કે ભારત અને જાપાનની મિત્રતા માત્ર કૂટનીતિક નથી, પરંતુ સાંસ્કૃતિક છે અને બંને દેશો એકબીજાની પ્રગતિમાં પોતાની પ્રગતિ જોઈને અરસ-પરસ મદદરૂપ થાય છે. સુઝુકી સાથે શરૂ થયેલી આ મિત્રતા હવે બુલેટ ટ્રેન સુધી પહોંચી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉદ્યોગોને માત્ર આર્થિક રોકાણ અને રોજગારીનું સાધન માનવાને બદલે સામાજિક-આર્થિક વિકાસનું મહત્વપૂર્ણ માધ્યમ માને છે.
સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ એચ. ટાકેઉચી, મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના ચેરમેન આર.સી.ભાર્ગવ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, સાંસદ મયંકભાઇ નાયક અને ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય હાર્દિક પટેલ, સુઝુકીના અધિકારીઓ-કર્મચારીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ