મોડાસા, 26 ઓગસ્ટ (હિ.સ.)
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના દેરોલ ખાતે ભારે વરસાદને કારણે નદીના પાણીમાં 12 જેટલા નાગરિકો ફસાયા હતા. જે ધ્યાને આવતા તાત્કાલિક સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રની સતર્કતા, ફાયરટીમ અને સ્થાનિક લોકોની તાત્કાલિક કામગીરીથી તમામને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. આ રીતે ખેડબ્રહ્મા તાલુકામાં જિલ્લા વહીવટી તંત્રની સમયસર સતર્કતા અને ઝડપી કામગીરીથી 12 જેટલા નાગરિકોના જીવ બચાવાયા છે.
આ સાથે વિજયનગર તાલુકામાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિમાં 13 જેટલા નાગરિકો ફસાયા હતા. જેનું સફર રેસ્ક્યુ કરીને નાગરિકોની સહીસલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.જેમાં વિજયનગર તાલુકાના સરસવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફના ત્રણ વ્યક્તિઓ ફસાયા હતા, જેમને ફાયરટીમ ઇડર તથા સ્થાનિક લોકોએ તુરંત બહાર કાઢ્યા હતા. વણધોલ ખાતે એક વ્યક્તિને સ્થાનિક લોકો દ્વારા બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું. રાજપુર ખાતે 3 વ્યક્તિઓને પણ સફળતાપૂર્વક સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ટેન્ટ સિટી વિજયનગર ખાતે છ નાગરિકો ફસાયા હતા, જેમને ફાયરટીમ ઇડર તથા સ્થાનિક લોકોએ જીવના જોખમે બહાર કાઢ્યા હતા.
બચાવકાર્ય દરમિયાન ઘટના સ્થળે પ્રાંત અધિકારી ખેડબ્રહ્મા, મામલતદાર વિજયનગર, તાલુકા વિકાસ અધિકારી વિજયનગર, પોલીસ ઇન્સપેક્ટર વિજયનગર તથા તાલુકા ડીઝાસ્ટર ટીમ સહિત ઈડર, હિંમતનગર તેમજ ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ