સરથાણામાં ઘરેથી દારૂનું વેચાણ કરતું માવાણી દંપતી ઝડપાયું: 18.34 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરત, 26 ઓગસ્ટ (હિ.સ.): શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ સેતુબંધ હાઈટ્સની બાજુમાં ઉમંગ હાઈટ્સમાં રહેતા પતિ પત્ની ઘરેથી જ દારૂનો વેપાર ધંધો કરતા હતા. છેલ્લા એક વર્ષથી પતિ પત્ની દારૂનો મોટો જથ્થો ઘરે મંગાવ્યા બાદ હોમ ડિલિવરી આપવાનું કામ કરતા હતા. આ દરમિયા
સરથાણામાં ઘરેથી દારૂનું વેચાણ કરતું માવાણી દંપતી ઝડપાયું: 18.34 લાખનો મુદ્દામાલ જપ્ત


સુરત, 26 ઓગસ્ટ (હિ.સ.): શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ સેતુબંધ હાઈટ્સની બાજુમાં ઉમંગ હાઈટ્સમાં રહેતા પતિ પત્ની ઘરેથી જ દારૂનો વેપાર ધંધો કરતા હતા. છેલ્લા એક વર્ષથી પતિ પત્ની દારૂનો મોટો જથ્થો ઘરે મંગાવ્યા બાદ હોમ ડિલિવરી આપવાનું કામ કરતા હતા. આ દરમિયાન ગતરોજ સરથાણા પોલીસને બાતમી મળતા પોલીસે તેમના ફ્લેટ પર છાપો મારી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી રૂપિયા 16.32 લાખનો દારૂ તથા રોકડા રૂપિયા 1.97 લાખ અને મોબાઈલ સહિત પોલીસે કુલ રૂપિયા 18.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પરણીતાની ધરપકડ કરી તેના પતિને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સરથાણા પોલીસને બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારમાં સેતુબંધ હાઇટ્સની બાજુમાં આવેલ ઉમંગ હાઈટ્સમાં એ બિલ્ડિંગમાં ફ્લેટ નંબર 602 માં રહેતા પતિ પત્ની દારૂનો વ્યવસાય કરે છે. જે બાતમીના આધારે પોલીસે ગત તારીખ 24/8/2025 ના રોજ રાત્રે 11:30 વાગ્યાના અરસામાં દરોડા પાડ્યા હતા. આ સમયે ફ્લેટ પર અસ્મિતાબેન રાકેશભાઈ માવાણી ઘરે હાજર હતા. જ્યારે તેના પતિ રાકેશભાઈ હરિભાઈ માવાણી બહાર ગયા હતા. જેથી પોલીસે અસ્મિતાબેન ને અટકાયત કરી ઘરમાં તલાસી લીધી હતી. ઘરમાં બેડરૂમની બાજુના રૂમમાં અલગ અલગ બ્રાન્ડની કુલ રૂપિયા 16.32 લાખ કિંમતની 2887 નંગ દારૂની બોટલ મળી આવી હતી. આ ઉપરાંત પોલીસે ઘરમાંથી રૂપિયા 1.97 લાખ રોકડા પણ જપ્ત કર્યા હતા. પોલીસે દારૂનું વેચાણ કરતા અસ્મિતાબેન માવાણીને ઝડપી પાડી રૂપિયા 16.32 લાખનો દારૂ અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 18.34 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. પોલીસને રેડ દરમિયાન ભાગી ગયેલો તેના પતિ રાકેશ માવાણીને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્લાસ્ટિકની બેગમાં દંપતી બોટલની ડિલિવરી આપવા માટે જતા હતા

પોલીસના હાથે ઝડપાયેલા અસ્મિતાબેન અને વોન્ટેડ રાકેશભાઈ છેલ્લા એક વર્ષથી ઘરેથી જ હોમ ડિલિવરી આપવા માટે જતા હતા. તેઓ ગ્રાહકો મારફતે અન્ય ગ્રાહકોના સંપર્કમાં આવતા હતા અને તે રીતે જ તેમનો વેપાર ધંધો પણ વધતો હતો. તેઓ કોઈને પણ ડિલિવરી લેવા માટે ઘર સુધી બોલાવતા ન હતા. જે વ્યક્તિ દ્વારા ઓર્ડર આપવામાં આવે તેમને પ્લાસ્ટિકની એક બેગમાં એક કે બે બોટલ લઈ પતિ પત્ની આપવા માટે જતા હતા. જેથી સોસાયટીમાં પણ કોઈને શંકા ન જાય.

સોસાયટીમાં કોઈને શંકા ન જાય તે માટે ઘરમાં સંપૂર્ણ ધાર્મિક માહોલ ઉભો કર્યો

બિલ્ડીંગમાં રહેતા લોકોને પતિ-પત્ની પર કોઈ પણ પ્રકારની શંકા ન જાય તે માટે તેઓએ ઘરમાં સંપૂર્ણ ધાર્મિક વાતાવરણ ઊભું કર્યું હતું. રૂમમાં અંદર પ્રવેશતાની સાથે જ લોકો ધાર્મિક અનુભૂતિ કરે તે પ્રકારનું વાતાવરણ ઘરની અંદર બનાવવામાં આવ્યું હતું. જેથી બિલ્ડીંગમાં રહેતી કોઈપણ વ્યક્તિ જો ઘરમાં આવે તો તેઓને આ દંપતી એકદમ ધાર્મિક હોય તેવું લાગે. પોલીસે પૂછપરછ કરતા છેલ્લા એક વર્ષથી તેઓ ઘરેથી આ દારૂનો ધંધો કરતા હોવાની કબુલાત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande