પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.)પાલનપુર ગામના 40 વર્ષીય પુરૂષને ગંભીર વાઇરલ ન્યુમોનિયા અને ARDS (એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ) સાથે જીએમઇઆરસ, ધારપુર હોસ્પિટલના મેડિસિન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓક્સિજન આપ્યા છતાં લોહીમાં તેનું સ્તર માત્ર 30-35% જેટલું જ હતું, અને ચેપના કારણે કિડની પર સોજો પણ હતો, જેને કારણે દર્દીની સ્થિતિ અત્યંત નાજુક બની હતી.
જટિલતાને ધ્યાનમાં રાખીને દર્દીને તાત્કાલિક વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા અને ડાયાલિસિસ પણ શરૂ કરાયું. ઉચ્ચ શ્રેણીની એન્ટિબાયોટિક્સ, હૃદયના ટેકા માટે વિશેષ ઇન્જેક્શન્સ અને લાંબા સમય માટે ટ્રેકિયોસ્ટોમી જેવી સારવાર અપાઇ.
સઘન સારવાર દરમિયાન દર્દીની તબિયત ધીમે ધીમે સુધારતી ગઈ. લાંબા સમય સુધી વેન્ટિલેટર પર રહેવાને કારણે શ્વાસના સ્નાયુઓ નબળા પડ્યા હતા, જેને સુધારવા માટે દર્દીને દિવસમાં બે વખત ફિઝિયોથેરાપી આપવામાં આવી.
આ સમગ્ર સારવાર દરમિયાન ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને હાઉસકીપિંગ સ્ટાફના સંયુક્ત પ્રયત્નો દ્વારા દર્દીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો. આખરે 28 દિવસ બાદ વેન્ટિલેટરથી મુક્તિ મળી અને આજે સવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી – જે સમગ્ર ટીમ માટે ગૌરવનો વિષય રહ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ