પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.): પાટણના કનસડા દરવાજા સ્થિત શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં ‘મને જાણો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્વ. કિર્તીકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી રવિવારના રોજ સાંજે 5 થી 7 દરમિયાન વરસતા વરસાદ વચ્ચે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખ ડો. શૈલેષ સોમપુરાએ લાઇબ્રેરીના રીનોવેશન અને વહીવટી કાર્યોની માહિતી આપી અને ભાવિ મહિલાલક્ષી કાર્યક્રમોની જાહેરાત કરી. નગીનભાઈ ડોડીયાએ વક્તાનો પરિચય આપ્યો અને મંત્રી મહાસુખભાઈ મોદીએ આભારવિધિ કરી.
વિદ્વાન કથાકાર શાંતિભાઈ ઠક્કરે શ્રાવણ માસનો મહિમા અને શિવ મહાત્મ્ય વિષે ઊંડા અનુમાન સાથે ચર્ચા કરી. તેમણે શિવ ભગવાનના વિવિધ સ્વરૂપો, આયુધો અને આધ્યાત્મિક પ્રતીકો — જેમ કે ચંદ્ર, ગંગા, નાગ, ભસ્મ, ત્રિશૂળ, બીલીપત્ર, નંદી વગેરે —ના મહત્વને સરળ ભાષામાં સમજાવ્યા. શાંતિભાઈએ જણાવ્યું કે શ્રાવણ માસ એ ભક્તિ, જ્ઞાન અને સારા શ્રવણનો સમય છે. શિવ ભગવાન જ્ઞાન અને કલ્યાણનો માર્ગ બતાવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભક્તિ, જ્ઞાન અને કર્મ જીવનમાં ઉતારવાથી માનવીનો સર્વાંગી વિકાસ શક્ય છે. કાર્યક્રમમાં હાજર શ્રોતાઓએ પણ ઉદ્દઘોષ સાથે વિચારપ્રેરક વાતોનું સ્વાગત કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ