મહેસાણા, 26 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના મહાદેવપુરા ગામના ગૌરવ અને બાવીસી સમાજના તેજસ્વી યુવાન, પટેલ વિપુલ ડાહ્યાભાઈએ યોગક્ષેત્રમાં પોતાની પ્રતિભા વડે નવી ઊંચાઈ સર કરી છે. તાજેતરમાં વલસાડ ખાતે યોજાયેલી 62મી ગુજરાત રાજ્ય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2025-26માં વિપુલે શાનદાર પ્રદર્શન કરીને બે સિલ્વર મેડલ પોતાના નામે કર્યા.
વિપુલ પટેલે ફોરવર્ડ બેન્ડિંગ અને હેન્ડ બેલેન્સ ઇવેન્ટમાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી ન્યાયાધીશોને મંત્રમુગ્ધ કરી દીધા. આ સિદ્ધિ માત્ર તેમના ગામ મહાદેવપુરા (હાલ અંકલેશ્વર), શાખ હડોલા જ નહીં, પરંતુ સમગ્ર બાવીસી સમાજ માટે ગૌરવની બાબત છે. લાંબા સમયથી કરેલી સખત મહેનત, યોગ પ્રત્યેનું અનુશાસન અને અવિરત સમર્પણ તેમને આ ઉપલબ્ધિ સુધી લાવ્યું છે. હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે વિપુલ પટેલ માત્ર સ્પર્ધાત્મક ક્ષેત્રમાં જ નહીં, પરંતુ સમાજની ગૃહિણી તાલીમ શિબિર અને અન્ય કાર્યક્રમોમાં યોગ શિક્ષણ આપીને પોતાની નિ:સ્વાર્થ સેવા પણ આપતા રહે છે. તેમની આ વિનમ્રતા અને સમાજપ્રેમ તેમને યુવાનો માટે આદર્શ બનાવે છે.
બાવીસી સમાજ તરફથી વિપુલ પટેલને હાર્દિક અભિનંદન તેમજ ભાવિ જીવન માટે અનેક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR