નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્ર સરકારે રેલવે બોર્ડના ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ), સતીશ કુમારનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવ્યો છે.
કર્મચારી અને તાલીમ વિભાગના સ્થાપના અધિકારી કાર્યાલય દ્વારા આજે જારી કરાયેલા આદેશ અનુસાર, કેબિનેટ નિમણૂક સમિતિ (એસીસી) એ, ભારતીય રેલવે મેનેજમેન્ટ સર્વિસ (આઈઆરએમએસ)માંથી નિવૃત્ત સતીશ કુમારનો કાર્યકાળ વધારવાને મંજૂરી આપી છે. તેઓ 01 સપ્ટેમ્બર 2025 થી એક વર્ષ માટે કરારના આધારે કાર્યરત રહેશે, હાલની શરતો અને નિયમો પર અથવા આગામી આદેશો સુધી આ પદ પર રહેશે.
કુમાર હાલમાં રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ તરીકે સેવા આપી રહ્યા છે. આદેશની નકલો વડા પ્રધાન કાર્યાલય, કેબિનેટ સચિવાલય અને અન્ય સંબંધિત અધિકારીઓને પણ મોકલવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ