નવી દિલ્હી, ૦5 ઓગસ્ટ (હિ.સ.) ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)ના ભવિષ્ય અંગે
ચાલી રહેલી મૂંઝવણ વચ્ચે,
બેંગલુરુ એફસીએ
તેની પ્રથમ ટીમના ખેલાડીઓ અને સ્ટાફના પગાર અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાનો
નિર્ણય લીધો છે. ક્લબે સોમવારે એક સત્તાવાર નિવેદન જારી કરીને આ માહિતી આપી છે.
બેંગલુરુ એફસી એ તેના નિવેદનમાં કહ્યું, ભારતમાં ફૂટબોલ
ક્લબનું સંચાલન અને જાળવણી હંમેશા એક પડકારજનક કાર્ય રહ્યું છે, જે અમે દરેક
સિઝનમાં સંપૂર્ણ સમર્પણ સાથે કર્યું છે. પરંતુ લીગના ભવિષ્ય અંગે સ્પષ્ટતાના અભાવે
અમને આ મુશ્કેલ પગલું ભરવાની ફરજ પડી છે. અમારા ખેલાડીઓ, સ્ટાફ અને તેમના
પરિવારોની સુખાકારી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જ્યાં સુધી આ મુદ્દો
ઉકેલાય નહીં ત્યાં સુધી અમે તેમની સાથે સતત સંપર્કમાં છીએ.
ક્લબે એ પણ
સ્પષ્ટ કર્યું કે,” આ નિર્ણય તેમના યુવા કાર્યક્રમોને અસર કરશે નહીં, અમે રમતના વિકાસ
અને અમારી કામગીરી માટે પ્રતિબદ્ધ છીએ. અમારી યુવા પુરુષો અને મહિલા ટીમો, તેમજ બીએફસી સોકર
સ્કૂલો આ નિર્ણયથી અપ્રભાવિત રહેશે. અમે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઇએફએફ) અને ફૂટબોલ
સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડ (એફએસડીએલ)ને અપીલ કરીએ છીએ કે, તેઓ આ મડાગાંઠને વહેલી તકે દૂર કરે. આ
અસ્થિરતા કોઈના હિતમાં નથી અને ભારતીય ફૂટબોલના ભવિષ્ય માટે ઝડપી ઉકેલ જરૂરી
છે.
11 જુલાઈના રોજ, આઇએસએલના આયોજકો એફએસડીએલએ કરારના
મુદ્દાઓને ટાંકીને 2025-26 સીઝનના
કામચલાઉ સસ્પેન્શન ની જાહેરાત કરી.
બીજા દિવસે, એઆઇએફએફએ કહ્યું કે,” તે લીગની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે તમામ
જરૂરી પગલાં લેશે.”
માહિતી અનુસાર, એફએસડીએલ અને એઆઇએફએફ વચ્ચેનો હાલનો માસ્ટર રાઇટ્સ કરાર (એમઆરએ) 8 ડિસેમ્બરે
સમાપ્ત થઈ રહ્યો છે. આ કરાર લીગના માળખા, કામગીરી અને વ્યવસાય માળખાનો પાયો છે.
સામાન્ય રીતે સપ્ટેમ્બરથી એપ્રિલ દરમિયાન રમાતી આઇએસએલની
કામગીરી અને પ્રસારણ યોજનાઓ અંગે તમામ હિસ્સેદારોને લાંબા ગાળાની સ્પષ્ટતાની જરૂર
છે.
આ દરમિયાન, એઆઇએફએફએ ગુરુવારે નવી દિલ્હીમાં આઠ આઇએસએલ ક્લબના સીઈઓ સાથે ભારતીય
ફૂટબોલ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ