પાટણ, 10 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં બે અલગ-અલગ ગામોમાં નદીમાં ન્હાવા ગયેલા 12 યુવકોમાંથી 6 યુવકોનો આબાદ બચાવ થયો છે, જ્યારે 5ના મોત નિપજ્યા છે અને 1 યુવક હજુ સુધી લાપતા છે. નળિયા ગામ નજીક ખારી નદીમાં નવ યુવકો નહાવા ગયા હતા ત્યારે અચાનક પાણીના પ્રવાહમાં વધારાથી તેઓ તણાઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી 4 યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 5 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે.
બીજી ઘટના રણમલપુરા ગામ પાસેની નદીમાં બની હતી, જ્યાં ત્રણ યુવાનો ડૂબ્યા હતા. તેમાથી બે યુવકોનો બચાવ થયો હતો અને એક યુવકનો મૃતદેહ આજે મળી આવ્યો છે. આ બંને ઘટનાની જાણ થતા SDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું, જે અંધારું થતાં ગઇકાલે રોકી દેવામાં આવ્યું હતું, પરંતુ આજે વહેલી સવારથી ફરી શરૂ કરવામાં આવ્યું છે.
મૃત યુવાનોના મૃતદેહો મૃતક પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. જ્યારે ગુમ યુવકની શોધખોળ હજુ ચાલુ છે. SDRFની ટીમ અને સ્થાનિક તંત્ર દ્વારા સતત તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ