સુરત, 10 સપ્ટેમ્બર (હિ.સ.): મહિધરપુરામાં એસ.એમ.ઝવેરી એન્ડ કંપનીના નામે ચાર્ડર્ટ ઍકાઉન્ટન્ટનું કામ કરતા વેસુના યુવક પાસેથી તેના મિત્રઍ ધંધો કરવા, ફ્લેટનો દસ્તાવેજ બનાવવા તથા ગાડી ખરીદવાના બહાને 40 લાખ પડાવી છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
વેસુ, વી.આઈ.પી. રોડ, શાંતા ગોદાવરી બંગ્લોઝ ખાતે રહેતા પ્રિતભાઈ શૈલેષકુમાર ઝવેરી (ઉ.વ.34) મહિધરપુરા ગોપાલ લોચાની સામે મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં એસ.એમ. ઝવેરી એન્ડ કંપનીના નામે ઓફિસ રાખી ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટનું કામકાજ કરે છે. પ્રીતભાઈએ ગતરોજ તેમના મિત્ર અંકિતભાઈ મહેન્દ્રભાઈ શાહ (રહે. રાજવિહાર એપાર્ટમેન્ટ, નવસારી) સામે ફરિયાદ નોધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે અંકિતએ તેમની પાસેથી સને 2020 થી 2024 સુધીમાં સચીન પાસે આરએમસીનો પ્લાન્ટ નાંખવા માટે તેમજ વેસુ ખાતે આવેલ ફલેટના દસ્તાવેજ બનાવવાના બહાને તેમની પાસેથી 40 લાખ લીધા હતા. આ દરમિયાન પ્રિતભાઈએ ફોર્ચ્યુનર ગાડી લેવાની ઈચ્છા થતા તેઓએ અંકિત પાસે પૈસાની માંગણી કરતા અંકિતે તેમને હાલમાં તો પૈસાની સગવડ નથી પરંતુ તેમના નામે ગાડીની લોન કરાવીને તેઓ હપ્તા ચુકવી દેશે હોવાની વાત કરી હતી. ત્યારબાદ બંને જણાએ કાર ખરીદીનું કોટેશન પણ કઢાવી ગાડીના ડાઉન પેમેન્ટના 10 લાખ ભરવા માટે તેના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ અંકિત શાહે લોન મંજૂર થઈ નથી હોવાનુ કહી પ્રિતભાઈની જાણ બહાર બારોબાર અંકિતે ટોયોટા ગ્લેન્ઝા કાર ખરીદી વાપરવા લાગ્યો હતો. પ્રીતભાઈ ઝવેરીને તેમની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોધાવતા મહિધરપુરા પોલીસે તેમની ફરિયાદને આધારે અંકિત શાહ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે