ગીર સોમનાથ 10 સપ્ટેમ્બર (હિ.સ.) આ પોર્ટલ તા.૧૫.૦૯.૨૦૨૫ સુધી પર્યાપ્ત સમયગાળા સુધી ચાલનાર છે. જેથી ખેડૂતો દ્વારા બિનજરૂરી ઉતાવળ ન કરવા વિનંતી છે. ગીર સોમનાથમાં મગફળી પાકમાં ૩૬૨૭૮ અને સોયાબીન પાકમાં ૬૧૨૬ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
સરકારશ્રીએ વર્ષ ૨૦૨૫-૨૬ના ખરીફ પાકો મગફળી માટે રૂ.૭૨૬૩, મગ માટે રૂ.૮૭૬૮, અડદ માટે રૂ.૭૮૦૦ તથા સોયાબીન માટે રૂ.૫૩૨૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કર્યા છે. બજારમાં જે તે જણસીઓના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારશ્રીની પી.એમ. આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તા.૧૫-૦૯-૨૦૨૫ સુધી ખેડૂતોની ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ (VCE) મારફતે વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ મારફત શરૂ કરવામાં આવી છે.
આ નોંધણી અન્વયે ઈસમૃધ્ધિ પોર્ટલ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો જિગર મહેતા - ૯૪૨૮૨૨૨૪૫૫, કૃણાલ ગજ્જર – ૬૩૫૪૮૯૫૪૮૩, શ્રીકાંત પટેલ - ૮૪૬૦૫૫૧૯૧૦ તેમજ
ઈ-સમૃધ્ધિ પોર્ટલના ટોલ ફ્રી નંબર - ૧૮૦૦ ૧૦૧૨૧૨ પર સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ