પાટણ, 10 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 11ની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં પાણી, રસ્તા અને ગટરની ગંભીર સમસ્યાઓ ઉભી થઇ છે. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી રહીશોને નર્મદાના પાણીને બદલે રામનગરના બોરનું પાણી આપવામાં આવી રહ્યું છે, જેને કારણે લોકોને પેટદર્દ અને ચામડીના રોગ જેવી તકલીફો થઈ રહી છે. રહીશોની માંગ છે કે જી.ઈ.બી. પાસેના ટાંકામાંથી નર્મદાનું શુદ્ધ પાણી અન્ય વિસ્તારોની જેમ તેમને પણ પૂરું પાડવામાં આવે.
સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે બોરનું પાણી પીનારૂપ યોગ્ય નથી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે. આ સિવાય સોસાયટીમાં રસ્તાઓની હાલત પણ નાજુક બની ગઈ છે. વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા રહેવાસીઓ માટે મુશ્કેલીનું કારણ બની છે.
આ સમસ્યાઓના કાયમી ઉકેલ માટે રહીશોએ નગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગમાં રજૂઆત કરી છે. રજૂઆત દરમિયાન પૂર્વ કોર્પોરેટર હંસાબેન પરમાર સહિત સોસાયટીની અનેક મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ